News of Thursday, 14th August 2025
શશિ થરૂરનો અમેરિકા પર આકરો પ્રહાર: "હઠીલા રહેવું સારું, ભારત ઘૂંટણિયે નહીં પડે!"
ભલે અમેરિકા સાથે આપણા સંબંધો મજબૂત હોય, ભારતે પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવું જોઈએ: ટ્રમ્પની ટેરિફ નીતિઓ વૈશ્વિક અર્થતંત્ર માટે નકારાત્મક

નવી દિલ્હી : અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર 50% સુધીના ટેરિફ લાદવાની ધમકી અને વેપાર કરારની વાટાઘાટોમાં ભારતને 'હઠીલું' ગણાવ્યા બાદ, કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે અમેરિકાને તેની જ શૈલીમાં કડક જવાબ આપ્યો છે.
અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે ભારત પર આરોપ લગાવ્યો હતો કે તે વેપાર સોદામાં ઢીલું વલણ અપનાવી રહ્યું છે, જેના જવાબમાં થરૂરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "જ્યારે તમારી સાથે અન્યાય થઈ રહ્યો હોય, ત્યારે ચૂપ રહેવા અને શરણાગતિ સ્વીકારવા કરતાં હઠીલા રહેવું ઘણું સારું છે."
ટ્રમ્પ પ્રશાસન દ્વારા ભારત પર સૌપ્રથમ 25% અને પછી વધુ 25% ટેરિફ લાદવાની જાહેરાત બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે. આ ટેરિફનો પ્રથમ તબક્કો 7 ઑગસ્ટથી લાગુ થઈ ચૂક્યો છે અને બાકીના 25% ટેરિફ 27 ઑગસ્ટથી લાગુ થશે. આ પરિસ્થિતિને કારણે બંને દેશો વચ્ચેની વેપાર વાટાઘાટો પણ નાજુક તબક્કામાં પહોંચી ગઈ છે.
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, શશિ થરૂરના નેતૃત્વ હેઠળની વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિએ વિદેશ મંત્રાલય અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અધિકારીઓને બોલાવ્યા હતા. બેઠકમાં અધિકારીઓએ સમિતિને વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી અને જણાવ્યું કે, આના કારણે ભારત ભૌગોલિક રાજકીય સંઘર્ષમાં ધકેલાઈ ગયું છે. જોકે, ભારતે અમેરિકા સાથે રચનાત્મક સંબંધો જાળવી રાખવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે.
શશિ થરૂરે ભારપૂર્વક જણાવ્યું કે, ભલે અમેરિકા સાથે આપણા સંબંધો મજબૂત હોય, ભારતે પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવું જોઈએ. તેમણે ટ્રમ્પની આ ટેરિફ નીતિઓને વૈશ્વિક અર્થતંત્ર માટે નકારાત્મક ગણાવી છે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
