News of Monday, 21st July 2025
તમામ શાળાઓને CCTV લગાવવા આદેશ, નિયમ પણ જાહેર કરાયા
વિદ્યાર્થીઓની સુરક્ષા માટે CBSEનો મોટો નિર્ણયઃતમામ કેમેરામાં ઑડિયો-વીડિયો રૅકોર્ડિંગ કરાશે

નવી દિલ્હી, તા.૨૧
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) તમામ શાળાઓમાં રીયલ-ટાઇમ ઑડિયો-વિઝ્યુઅલ રેકોર્ડિંગ સાથેના હાઇ-રિઝોલ્યુશન CCTV કેમેરા લગાવવા માટે ફરજિયાત નિયમ લાગુ કરી દીધો છે.
આ નિર્ણય વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે. આનાથી શાળાઓમાં થતી કોઈપણ પ્રકારની શિસ્તભંગ, અસામાજિક પ્રવૃત્તિ કે સુરક્ષા ભંગ પર તુરંત કાર્યવાહી કરી શકાશે. આ નીતિઓનો મુખ્ય ઉદ્દેશ્ય CBSE બોર્ડની પરીક્ષાઓની પારદર્શિતા, નિષ્પક્ષતા અને સુરક્ષા વધારવાનો છે. વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સીબીએસઈના સચિવ હિમાંશુ ગુપ્તાએ બોર્ડની તમામ શાળાઓમાં આ આદેશ જારી કરી દીધો છે. નિયમ મુજબ હવે તમામ શાળાઓના પ્રવેશ દ્વાર, ગલીઓ, સીડીઓ, વર્ગખંડો, પ્રયોગશાળાઓ, પુસ્તકાલય, કેન્ટીન, સ્ટોર રૃમ, રમતગમત મેદાન અને અન્ય કૉમન એરિયામાં ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવા પડશે. જોકે શૌચાલયને નિયમમાંથી બહાર રખાયું છે.
સીબીએસઈએ સ્પષ્ટ કહ્યું છે કે, 'તમામ સીસીટીવી કેમેરામાં રિયલ ટાઇમ ઑડિયો-વિઝ્યુઅલની સુવિધા હોવી જોઈએ. ઓછામાં ઓછા ૧૫ દિવસનું રેકોર્ડિંગ બેકઅપ રાખવો ફરજિયાત છે, કારણ કે તપાસ એજન્સીઓ અને બોર્ડ અધિકારીઓ જરૃર પડે ત્યારે ઉપયોગ કરી શકે.
વર્ષ ૨૦૧૯માં દિલ્હી સરકારે તમામ સરકારી શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાનો પ્રોજેક્ટ શરુ કર્યો હતો. ત્યારબાદ આ શાળાઓમાં કુલ ૭૮,૭૪૬ સીસીટીવી કેમેરા લગાવાયા હતા. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની ૭૮૬ શાળા પરિસરોમાં ૧૦૭૮૬ સીસીટીવી કેમેરા લગાવવાની યોજનાની ડિસેમ્બર-૨૦૨૩માં જાહેરાત કરી હતી. સીબીએસઈએ શૈક્ષણિક સત્ર-૨૦૨૪-૨૦૨૫ની બોર્ડ પરીક્ષામાં તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ આપ્યો હતો. સીબીએસઈની પરીક્ષા માટે લગભગ ૮૦૦૦ શાળા પરીક્ષા કેન્દ્ર બનાવાઈ હતી. આવી સ્થિતિમાં સીબીએસઈએ દેશભરની ૮૦૦૦ શાળાઓમાં સીસીટીવી લગાવ્યા છે.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
