તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th July 2025
ભારતે પાકિસ્તાનને 'ઉલ્લુ' બનાવ્યું: રાફેલના 'X-Guard' ડિકોય સિસ્ટમથી પાકિસ્તાન થયું ગેરમાર્ગે, માની લીધું કે રાફેલને પાડી દીધું!
આ સિસ્ટમ માત્ર 2 સેકન્ડમાં સક્રિય થઈ 360 ડિગ્રીમાં 500-વોટનો જામિંગ સિગ્નલ મોકલે છે. તે દુશ્મનને આભાસ કરાવે છે હકીકતમાં તે માત્ર એક ડિકોય હોય છે

નવી દિલ્હી 9 જુલાઈ 2025: પુલવામા હુમલા બાદ ભારતે આતંકવાદ વિરુદ્ધ ચલાવેલા 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાનને એવી રીતે ચકમો આપ્યો કે પાકિસ્તાને માની લીધું કે તેણે ભારતનું એક રાફેલ ફાઈટર જેટ તોડી પાડ્યું છે! પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ હતી. ભારતે રાફેલના અત્યાધુનિક X-Guard ડિકોય સિસ્ટમનો ઉપયોગ કરીને પાકિસ્તાનના રડાર અને મિસાઈલ સિસ્ટમને સંપૂર્ણપણે ગેરમાર્ગે દોર્યું.
રાફેલનું 'X-Guard' સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?
X-Guard એ એક ફાઈબર ઓપ્ટિક ટો ડિકોય છે, જે રાફેલના ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમનો એક અભિન્ન ભાગ છે. તેનું મુખ્ય કાર્ય દુશ્મનના રડાર-ગાઈડેડ મિસાઈલો અને સપાટીથી હવામાં માર કરતા હથિયારોને ગેરમાર્ગે દોરવાનું છે. આ ડિકોય દુશ્મનના રડારને રાફેલની ખોટી લોકેશન આપે છે અને ડૉપ્લર સિગ્નલોની બેહૂબ નકલ કરે છે.
આ સિસ્ટમની ખાસિયત એ છે કે તે માત્ર 2 સેકન્ડમાં સક્રિય થઈ જાય છે અને 360 ડિગ્રીમાં 500-વોટનો જામિંગ સિગ્નલ મોકલે છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, તે દુશ્મનને એવો આભાસ કરાવે છે કે તેણે ખરેખર રાફેલને નિશાન બનાવ્યું છે, જ્યારે હકીકતમાં તે માત્ર એક ડિકોય હોય છે.
ભારતે પાકિસ્તાનને કેવી રીતે ચકમો આપ્યો?
પૂર્વ અમેરિકી ફાઈટર પાયલટ રાયન બોડેનહાઈમરે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે આ મિશન અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ઇલેક્ટ્રોનિક વોરફેર ડિકોયિંગ વ્યૂહરચના હતી. ભારતે X-Guard ની મદદથી પાકિસ્તાનના J-10C ફાઈટર જેટ અને PL-15E મિસાઈલોને સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરી દીધા. પાકિસ્તાનના ચીની-નિર્મિત KLJ-7A AESA રડાર એ ઓળખી શક્યા નહીં કે તેમણે ડિકોયને નિશાન બનાવ્યું હતું, અસલી વિમાનને નહીં.
આના પરિણામે, પાકિસ્તાને દાવો કર્યો કે તેણે એક ભારતીય રાફેલને તોડી પાડ્યું છે, જ્યારે વાસ્તવમાં તે X-Guard હતું.
ડસોલ્ટ અને ભારતીય રક્ષા સચિવનું શું કહેવું છે?
ડસોલ્ટ એવિએશનના ચેરમેન એરિક ટ્રેપિયરે એક સંરક્ષણ વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું કે ભારતે એક રાફેલ વિમાન ગુમાવ્યું હતું, પરંતુ તેનું કારણ તકનીકી ખામી હતી, દુશ્મનની કોઈ કાર્યવાહી નહીં. વિમાન 12,000 મીટરની ઊંચાઈએ એક લાંબા પ્રશિક્ષણ મિશન દરમિયાન ક્રેશ થયું હતું. બીજી તરફ, ભારતના રક્ષા સચિવ આર.કે. સિંહે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા રાફેલ પાડવાનો દાવો ખોટો છે અને ઇલેક્ટ્રોનિક વોરફેરમાં ભારતની ટેકનોલોજીએ દુશ્મનને સંપૂર્ણપણે ચકમો આપ્યો.
ચીનનો પ્રોપેગેન્ડા થયો નિષ્ફળ!
ફ્રેંચ મીડિયા રિપોર્ટ અનુસાર, ચીને પોતાના રાજદ્વારી નેટવર્કનો ઉપયોગ કરીને રાફેલની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો અને એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો કે રાફેલ પ્રદર્શનમાં નબળું છે. જોકે, ઓપરેશન સિંદૂરે સાબિત કરી દીધું કે રાફેલ અને ભારતની વ્યૂહરચના આજે સૌથી અદ્યતન છે. આ ઘટનાએ ભારતીય વાયુસેનાની ક્ષમતા અને રાફેલની શ્રેષ્ઠતાને ફરી એકવાર સાબિત કરી દીધી છે.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
