<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

ન્યૂઝીલેન્ડની નર્સે ભારતમાં $20,000માં કરાવી રોબોટિક હિપ સર્જરી; ભારતીય હોસ્પિટલના કર્યા ભરપેટ વખાણ!

ભારતમાં મેડિકલ ટુરિઝમની વધતી લોકપ્રિયતા અને ગુણવત્તાયુક્ત, સસ્તી સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતા: રોબોટિક ટેકનોલોજી સચોટ અને તેનાથી રિકવરી ઝડપી

 65 વર્ષીય ન્યૂઝીલેન્ડની નર્સ ક્લેયર ઓલ્સેન ને જ્યારે કહેવામાં આવ્યું કે તેમને ડબલ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી માટે કાં તો 5 વર્ષ રાહ જોવી પડશે અથવા $80,000 ખર્ચવા પડશે, ત્યારે તેમણે એક અલગ માર્ગ અપનાવ્યો. ઓલ્સેન મુંબઈ આવ્યા અને માત્ર $20,000માં રોબોટિક હિપ સર્જરી કરાવી, અને માત્ર બે દિવસમાં ચાલવા લાગ્યા. તેમનું કહેવું છે કે, "હું ભારત આવવાથી ડરતી ન હતી, પરંતુ અમારા દેશની હેલ્થ સિસ્ટમ જ થર્ડ વર્લ્ડ જેવી લાગે છે."
 
લાંબી રાહ અને મોંઘી સારવારનો વિકલ્પ:
ક્લેયર ઓલ્સેન 40 વર્ષથી નર્સિંગના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. તેમને ખૂબ જ આર્થરાઈટિસ હતો અને ચાલવા-ફરવામાં પણ મુશ્કેલી પડતી હતી. પરંતુ જ્યારે તેમણે સર્જરી માટે સરકારી હોસ્પિટલમાં અરજી કરી, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે 5 વર્ષ સુધી રાહ જોવી પડશે. પ્રાઈવેટ હોસ્પિટલમાંથી જે ક્વોટેશન મળ્યું તે પણ ચોંકાવનારું હતું – માત્ર સામાન્ય ડબલ હિપ રિપ્લેસમેન્ટ માટે $80,000. રોબોટિક સર્જરી માટે તો તેનાથી પણ વધુ ખર્ચ જણાવવામાં આવ્યો.
 
ભારતમાં વર્લ્ડ ક્લાસ સારવાર અને ઝડપી રિકવરી:
ક્લેયર ઓલ્સેને મુંબઈમાં એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ડો. મુદિત ખન્ના નો સંપર્ક કર્યો, જે રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં નિષ્ણાત છે અને યુકે, જર્મની અને અમેરિકામાં પણ કામ કરી ચૂક્યા છે. સર્જરીના માત્ર બે દિવસ પછી, ઓલ્સેન પીડા વિના ક્રચના સહારે ચાલવા લાગ્યા, અને 20 દિવસમાં કોઈપણ સહારો વિના ચાલવા લાગ્યા. તેમણે જણાવ્યું કે, "રોબોટિક ટેકનોલોજી વધુ સચોટ હોય છે અને સ્નાયુઓને નુકસાન પહોંચાડતી નથી. આનાથી રિકવરી ઝડપી થાય છે."

ઓલ્સેન એકલા નહોતા આવ્યા. તેમની મિત્ર અને ટ્રાવેલ એજન્ટ જેકી બ્રાઉન પણ તેમની સાથે આવ્યા હતા. જેકીએ કહ્યું, "આ મેં જોયેલી સૌથી શ્રેષ્ઠ હોસ્પિટલ હતી. દર બે કલાકે રૂમ સાફ થતો હતો, નર્સો સતત ધ્યાન રાખતી હતી, અને ડોક્ટર વારંવાર મુલાકાત લેતા હતા."
 
ન્યૂઝીલેન્ડમાં રોબોટિક સર્જરીની સ્થિતિ:
ન્યૂઝીલેન્ડમાં 2023માં પ્રથમ વખત રોબોટિક હિપ સર્જરી કરવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધી ફક્ત એક સરકારી હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ છે, તે પણ સેમી-પ્રાઈવેટ સેટઅપમાં. ડોક્ટર એન્થોની માહેરે કહ્યું, "ભારતમાં આટલા ઓછા ખર્ચે આવી સર્જરી થવી આશ્ચર્યજનક છે. અહીં તો એક હિપ રિપ્લેસમેન્ટ પર જ $20,000 થી $30,000 લાગે છે, તે પણ હોસ્પિટલ ખર્ચ અને રિકવરી વિના."

ન્યૂઝીલેન્ડના સ્વાસ્થ્ય મંત્રી સાયમોન બ્રાઉને કહ્યું, "લોકોએ લાંબા સમય સુધી પીડા અને અનિશ્ચિતતામાં ન રહેવું જોઈએ. અમે સર્જરીની વેઈટિંગ લિસ્ટ ઘટાડવા માટે પ્રાઈવેટ પ્રોવાઈડર્સ સાથે મળીને કામ કરી રહ્યા છીએ."
 
ઓલ્સેનની સલાહ: "ડરશો નહીં, સંશોધન કરો!"
ઓલ્સેને કહ્યું, "જો તમે વિદેશમાં સારવાર કરાવવાનું વિચારી રહ્યા છો, તો સંશોધન કરો, સર્જનની પ્રોફાઇલ તપાસો, એકલા ન જાઓ. પરંતુ ભારતથી ડરશો નહીં. અહીંની પ્રાઈવેટ હોસ્પિટલો શાનદાર છે." તેમણે કહ્યું કે લોકો હજુ પણ ભારતને "વિકાસશીલ દેશ" માને છે, પરંતુ હેલ્થકેરના મામલે ભારત, ન્યૂઝીલેન્ડથી આગળ છે. "ખરેખરમાં, અમે છીએ જેમની હેલ્થ સિસ્ટમ થર્ડ વર્લ્ડ જેવી છે," ઓલ્સેને હસતા હસતા કહ્યું.

(10:05 PM IST)