તા. ૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૫ શનિવાર
News of Friday, 27th June 2025
૧૮ જુલાઈએ રિલીઝ થનારી ગુજરાતી મલ્ટીસ્ટારર 'સંઘવી એન્ડ સન્સ’ ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર મુંબઈમાં ધમાકેદાર ઇવેન્ટમાં લોન્ચ : સ્ટાર્સનો મેળાવડો! : જુઓ વિડીયો
મનોજ જોશી, હિતેન તેજવાની, કોમલ ઠક્કર સહિત ૩૫ કલાકારો અને જુદાંજુદાં ક્ષેત્રની સેલિબ્રિટીઝે આપી હાજરી : ડિરેક્ટર ચંદ્રેશ ભટ્ટનો દાવો - "ફિલ્મ દ્વારા વિસરાઈ ગયેલા પારિવારિક મૂલ્યોનું મહત્વ લોકો યાદ કરશે!" : ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યુસર વિખ્યાત લેખક આશુ પટેલે કથાને વધુ ધારદાર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી

રાજકોટ : ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરવા આવી રહેલી મલ્ટીસ્ટારર અને મેગા બજેટની ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’ ના ઓફિશિયલ ટ્રેલરનું લોન્ચિંગ મુંબઈની રાહેજા ક્લાસિક ક્લબમાં એક ભવ્ય અને ધમાકેદાર ઇવેન્ટમાં કરવામાં આવ્યું. આ પ્રસંગે ફિલ્મ સ્ટાર્સ, ટીવી સ્ટાર્સ અને જુદાંજુદાં ક્ષેત્રોની અગ્રણી સેલિબ્રિટીઝની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે એક ખાસ કૉક્ટેલ-ડિનર પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાહેજા ક્લાસિક ક્લબના બૉલરૂમમાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી, એટલી મોટી સંખ્યામાં સેલિબ્રિટીઝ અને અગ્રણી વ્યક્તિઓ આ ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં ઉપસ્થિત રહી હતી, જે ફિલ્મને લઈને ઉત્સાહ દર્શાવે છે.
સ્ટાર્સનો જમાવડો:
આ ધમાકેદાર ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં ફિલ્મના મુખ્ય કલાકારો મનોજ જોશી, હિતેન તેજવાની, કોમલ ઠક્કર, ગૌરવ પાસવાલા, ધર્મેશ વ્યાસ, ભાવિની જાની સહિત મોટાભાગના ૩૫ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીએ ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
ડિરેક્ટર ચંદ્રેશ ભટ્ટના અનુભવો:
આ ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં ડિરેક્ટર ચંદ્રેશ ભટ્ટે આ ફિલ્મના નિર્માણ દરમિયાન જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો, તે વિશે ભાવુકતાપૂર્વક વાત કરી. તેમણે આ ફિલ્મને પાર પાડવા માટે અડીખમ ઊભા રહેલા પ્રોડ્યુસર્સ રાજુ રાયસિંઘાની, આકાશ દેસાઈ, અંકુર અઢિયા, હિત દોશી, સંજય ભટ્ટ અને આનંદ ખમારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
ચંદ્રેશ ભટ્ટ દિગ્દર્શિત આ મેગા બજેટની ફિલ્મમાં કુલ ૩૫ કલાકારોએ અભિનય કર્યો છે. આ ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યુસર પ્રખ્યાત લેખક આશુ પટેલ છે, જેમણે કથાને વધુ ધારદાર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
૩૫ કલાકારો પાસેથી અભિનય કરાવવાની ચેલેન્જ વિશે વાત કરતા ડિરેક્ટર ચંદ્રેશ ભટ્ટે કહ્યું હતું કે, "મને બાળકોથી માંડીને મનોજ જોશી, હિતેન તેજવાની, કોમલ ઠક્કર, ગૌરવ પાસવાલા જેવા કલાકારોએ આ ફિલ્મના નિર્માણ દરમિયાન ખૂબ સહયોગ આપ્યો છે. મેં જ્યારે આ ફિલ્મની શરૂઆત કરી ત્યારે ઘણા લોકો કહેતા હતા કે ૩૫ કલાકારોને લઈને નિશ્ચિત સમયમાં ફિલ્મ બનાવવી એ બહુ અઘરું કામ છે અને ફિલ્મમાં જ્યારે આટલા બધા કલાકારો હોય ત્યારે બધા પાત્રોને ન્યાય આપવો એ પણ એક મોટો પડકાર હતો."
તેમણે ઉમેર્યું, "પરંતુ મને લાગે છે કે તમામ પાત્રોનું મહત્વ જળવાઈ રહે એ રીતે આ ફિલ્મ બનાવવામાં મને સફળતા મળી છે. આ ફિલ્મ દ્વારા મારો પ્રયત્ન છે કે આજના ભાગદોડથી ભરેલા જીવનમાં ક્યાંક ને ક્યાંક વિસરાઈ ગયેલા પારિવારિક મૂલ્યોનું મહત્વ લોકો યાદ કરે. કોવિડ પેન્ડેમિક દ્વારા કુદરત આપણને બધાને એક સંદેશ આપી ચૂકી છે કે જીવનમાં કપરા સમયમાં નામ, પૈસા, મોભો આ બધાથી જો ઉપર કંઈ હોય તો એ છે પરિવાર અને આપ્તજનોનો પ્રેમ અને સાથ. મને વિશ્વાસ છે કે લોકો સુધી મારી વાત પહોંચશે અને આ ફિલ્મ તેમને હૃદયસ્પર્શી અનુભવ કરાવશે."
‘સંઘવી એન્ડ સન્સ’ ૧૮ જુલાઈના રોજ રિલીઝ થવાની છે અને ગુજરાતી સિનેમામાં એક નવો સીમાચિહ્ન સ્થાપિત કરશે તેવી અપેક્ષા છે. દર્શકો આ ફિલ્મને કેવો પ્રતિસાદ આપે છે તે જોવું રસપ્રદ રહેશે.
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
