તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Tuesday, 24th June 2025
US વિઝાના અરજદારો સોશિયલ મીડિયાના પ્રાઈવસી નિયંત્રણો હટાવે
F, M, J કેટેગરી હેઠળ સ્ટુડન્ટ કે એક્સચેન્જ વિઝિટર વિઝા અરજદારો માટે યુએસ એમ્બેસીની નવી માર્ગદર્શિકા : અરજદારોએ તાત્કાલિક અસરથી તેમના એકાઉન્ટ્સનું સેટિંગ પબ્લિક મોડ પર કરવું પડશે

નવી દિલ્હી,તા.૨૪: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધ શરૂ કરાયેલી આક્રમક ઝૂંબેશ બાદ અમેરિકન સત્તાવાળાઓએ વિઝા માટેના નિયમો વધુ ચુસ્ત બનાવ્યાં છે.
સ્ટુડન્ટ વિઝા કે એક્ચેન્જ વિઝિટર વિઝા પર અમેરિકા જવા ઈચ્છતા લોકો માટે નવી દિલ્હી સ્થિત અમેરિકન દૂતાવાસે નવી માર્ગદર્શિકા જારી કરી છે. તાત્કાલિક અસરથી અમલી બનેલી આ નવી માર્ગદર્શિકા એફ, એમ તથા જે કેટેગરીના નોન-ઈમિગ્રન્ટ વિઝા પર લાગુ થશે. નવી માર્ગદર્શિકા અનુસાર, એફ, એમ તથા જે કેટેગરીના વિઝા માટેના અરજદારોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરના પ્રાઈવસીના નિયંત્રણો હટાવી તેને સૌ કોઈ જોઈ શકે તેવી રીતે સેટ કરવાના રહેશે.
દૂતાવાસના જણાવ્યાં અનુસાર, અમેરિકાના ઈમિગ્રન્ટ અને નોન-ઈમિગ્રન્ટ વિઝા માટેની અરજી કરનારાઓ માટે સોશિયલ મીડિયા આઈડેન્ટિફાયર્સ ઉપલબ્ધ બનાવવાનું ૨૦૧૯ની સાલથી જરૂરી બનાવાયું છે. અમે આ માહિતીનો ઉપયોગ વિઝા સ્ક્રીનિંગ માટે કરવા ઉપરાંત અમેરિકામાં પ્રવેશવા માટે લાયક ના હોય તેવા અથવા તો અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી હોય તેવા અરજદારોની ઓળખ માટે કરીએ છીએ.
આ પગલાંને યોગ્ય ઠેરવતાં નિવેદનમાં ભારત સ્થિત અમેરિકન દૂતાવાસે જણાવ્યું હતું કે, આમ કરવાથી સિકયુરિટી સ્ક્રિનિંગની પ્રક્રિયા દરમિયાન અમેરિકન અધિકારીઓને વિઝા અરજદારોની ઓળખ અને યોગ્યતાની પુષ્ટી કરવામાં મદદ મળશે.
એક્સ પરની એક પોસ્ટમાં દૂતાવાસે જણાવ્યું હતું કે, એફ, એમ અથવા જે કેટેગરીના નોન-ઈમિગ્રન્ટ વિઝા માટે અરજી કરતાં લોકોને તાત્કાલિક અસરથી તેમના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને પબ્લિક કરવાના રહેશે.
એફ, એમ અને જે વિઝા અભ્યાસ માટે અથવા તો એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ હેઠળ અમેરિકા આવતા વિદેશી નાગરિકોને જારી કરાય છે.
અગાઉ અમેરિકન સરકાર દ્વારા વિઝા અરજદારોને તેમની અરજીમાં તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સની વિગતો આપવા નિર્દેશ આપ્યો હતો. હવે નવી માર્ગદર્શિકા હેઠળ અરજદારોએ તેમના એકાઉન્ટ્સ પરના નિયંત્રણો હટાવી લેવાના રહેશે જેથી તેમના એકાઉન્ટ્સ પર પોસ્ટ થયેલી કન્ટેન્ટ સરળતાથી જોઈ શકાય. અરજદારોએ કયાં સુધી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ખુલ્લા રાખવા પડશે તે અંગે કોઈ ચોક્કસ સમયમર્યાદા જારી કરાઈ નથી.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
