તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th June 2025
આયુષ મંત્રાલય યોજીત યોગ-બંધન કાર્યક્રમ માટે ૧૫ દેશોના અતિથિઓ બન્યા ભારતના મહેમાન
ભારતમાં પંદર ખાસ આઇકોનિક સ્થળોએ યોગ કરાવશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ વિશાખાપટ્ટનમમાં વિશાળ જનમેદની સાથે યોગ કરશે

રાજકોટ : આવતીકાલે જ આંતરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને દસ વર્ષ પૂરા થયા અને ૨૧મી જુને અગિયારમું વર્ષ છે. જેના ઉપક્રમે ભારત સરકારના આયુષ મંત્રાલયે દસ ખાસ આયોજનોની શ્રળંખલામાંનું જ એક આયોજન એટલે યોગ-બંધન. ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, ડેન્માર્ક, સિંગાપોર, ઓસ્ટ્રિયા, સાઉથ આફ્રીકા, મલેશિયા, દક્ષિણ કોરિયા, શ્રીલંકા, આર્જેન્ટિના, ચીન, ઇન્ડોનેશિયા, કઝાખસ્તાન જેવા દુનિયાના પંદર દેશોના પ્રતિનિધિઓ અત્યારે આ યોગ બંધન કાર્યક્રમ અંતર્ગત ભારતમાં પધાર્યા છે અને ભારતની યોગ પરંપરાના તેઓ સાક્ષી બનવાના છે.
મજાની વાત એ છે કે ભારતની ધરોહર ગણાતા યોગને અહીં જ તેઓ શીખ્યા, યોગનો પ્રચાર-પ્રસાર તેમણે દુનિયાભરમાં કર્યો અને આ વર્ષે આ ઇન્ટરનેશનલ યોગીઓ ભારતમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવશે. ભારતમાં પંદર ખાસ આઇકોનિક સ્થળોએ યોગ કરાવશે. આ એક ખૂબ ગૌરવની વાત છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વૈશ્વિક ફલક પર યોગના પ્રસારકર્તાઓ સાથે જોડાણ સાધીને યોગને વધુ વ્યાપક બનાવવાનો સહિયારો પ્રયાસ આપણે યોગ બંધનના કાર્યક્રમ થકી કર્યો છે. આ વર્ષે ૨૧ જુનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિશાખાપટ્ટનમમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી વિશાળ જનમેદની સાથે યોગ કરવાના છે. આ યોગ દિવસ એક્તા અને સહિયારા સપોર્ટથી, સ્વાસ્થ્યયુક્ત બંધનના સંબંધ સાથે ઉજવીએ. સહુ સાથે મળીએ. સહુ એક થઈએ અને સહુ એક થઈને એકબીજાની શક્તિ બનીને આગળ વધીએ. તેવો સંદેશ યોગ દિવસ નિમિતે પ્રસરાવવામાં આવ્યો હોવાનું આયુષ મંત્રાલયના સેક્રેટરી વૈદ્ય રાજેશ કોટેચાની યાદીમાં જણાવાયુ છે. સાથો સાથ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની કમનસીબ ઘટના અને એમાં આપણા ગુજરાતના આદરણીય ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અન્ય પ્રવાસીઓ, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સહિતના સહુની આકસ્મિક વિદાય બાબતે તેઓએ ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
