<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

૧૨ વર્ષ પહેલા જમાઈની હત્‍યાના કેસમાં જેલમાં ગયા સસરા, તે હવે જીવતો ઘરે પરત ફર્યો

 

લખીમપુર ખીરી,તા.૧૪: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. જે જમાઈની હત્‍યાના આરોપમાં સસરાને જેલમાં આઠ મહિનાની જેલની સજા થઈ, તે ૧૨ વર્ષે અચાનક જીવતો પરત ફર્યો. આ ખબર સાંભળતા જ સમગ્ર વિસ્‍તારમાં સનસનાટી ફેલાઈ ગઈ. તો વળી પરિવારમાં ખુશીનો માહોલ છે. આ મામલો સિકંદરાબાદ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારનો છે. અહીંના રહેવાસી કલ્લન ખાંએ પોતાની દીકરી સૂફિયા બેગના લગ્ન મેલાની વિસ્‍તારના ગામ કુકુરાના રહેવાસી અશરફઅલી પુત્ર રિયાજત (૩૫) સાથે કરાવ્‍યા હતા.

લગ્નના ૧૬ મહિના બાદ અશરફઅલી પોતાની પત્‍નીને વિદાય આપવા સાસરિયે ગયો હતો. પણ કોઈ વાતને લઈને તેને સસરા સાથે ઝઘડો થઈ ગયો. નારાજ સસરાએ તેને ઘરમાંથી બહાર કરી દીધો, જે બાદ અશરફઅલી સાસરિયેથી ગાયબ થઈ ગયો. પરિવારે ભારે શોધખોળ કરી પણ તેનો કોઈ પત્તો લાગ્‍યો નહીં. થાકી હારીને તેણે નીમગાંવ પોલીસ સ્‍ટેશનમાં ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્‍યો. પોલીસ તપાસથી અસંતુષ્ટ થઈને પરિવારે કોર્ટની શરણ લીધી. જ્‍યાંથી આદેશ મળતા પોલીસે કલ્લન ખાં વિરુદ્ધ હત્‍યાનો કેસ નોંધી લીધો અને તેને ધરપકડ કરી જેલમાં મોકલી દીધો. કલ્લન ખાં આઠ મહિનાથી જેલમાં રહ્યા બાદ હાઈકોર્ટથી જામીન પર બહાર આવ્‍યો.

હવે ૧૨ વર્ષ બાદ અશરફઅલી અચાનક ઘરે પરત ફરતા બધા ચોંકી ગયા છે. તેમનો દીકરો હવે ૧૪ વર્ષનો થઈ ચૂકયો છે. ક્ષેત્રાધિકારી મિતૌલી જિતેન્‍દ્ર સિંહ પરિહારે જણાવ્‍યું કે, મામલો ખૂબ જ જૂનો છે. તમામ અભિલેખોને એકત્ર કરવામાં આવી રહ્યા છે અને તપાસ થઈ રહી છે. હાલમાં બંને પરિવાર અને પોલીસ કેમેરા સામે કંઈ પણ કહેવા માગતા નથી.(૪૦.૧૨)

(10:00 AM IST)