News of Wednesday, 4th June 2025
પતિનું મોત થઈ જાય તો પણ પત્નીને ઘરમાંથી કાઢી શકાય નહીં
કેરળ હાઈકોર્ટે એક મોટો અને સંવેદનશીલ નિર્ણય સંભળાવ્યો

પલક્કડ તા.૪: કેરળ હાઈકોર્ટે એક મોટો અને સંવેદનશીલ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે, ખાલી પતિનું મળત્યુ થઈ જવાથી પત્નીને તેના સાસરિયાં અથવા પતિના ઘરમાંથી કાઢી શકાય નહીં. કોર્ટે કહ્યું કે, જો કોઈ મહિલા પાસે ઘરનો માલિકી હક નથી તો પણ, તેને આ ઘરમાં રહેવાનો પૂરો હક છે.
આ મામલો કેરળના પલક્કડ જિલ્લાની એક મહિલા સાથે જોડાયેલો છે. મહિલાએ જણાવ્યું કે, તેના પતિનું મળત્યુ વર્ષ ૨૦૦૯માં થઈ ગયું હતું. ત્યારબાદ તે પોતાના બાળકો સાથે તે જ ઘરમાં રહેતી હતી. પણ પતિના સંબંધીઓ તેને અને તેના બાળકોને ત્યાંથી કાઢવાની કોશિશ કરતા હતા. મહિલાએ પહેલા પલક્કડ સત્ર ન્યાયાલયમાં કેસ કર્યો, જ્યાંથી તેને રાહત મળી.
સત્ર ન્યાયાલયે મહિલાના હકમાં ચુકાદો સંભળાવતાં અને તેના પતિના ઘરમાં રહેવાની પરવાનગી આપી દીધી. પણ પતિના સંબંધીઓ આ ચુકાદાથી સંતુષ્ટ નહોતા અને તેમણે હાઈકોર્ટમાં અપીલ કરી દીધી. હવે હાઈકોર્ટે પણ સ્પષ્ટ શબ્દોમાં મહિલાના અધિકારને યોગ્ય ગણાવ્યો.
કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, કોઈ પણ મહિલાને છત અને સુરક્ષા આપવાની ના પાડી શકાય નહીં. આ મહિલાની ગરિમા સાથે જોડાયેલો પાયાનો અધિકાર છે. ન્યાયમૂર્તિ એમબી તોહલતાએ એવું પણ કહ્યું કે, કાયદા અનુસાર, એક મહિલાને તેના પતિના ઘરમાં રહેતા રોકી શકાય નહીં, પછી ઘરનો માલિક ભલે કોઈ પણ હોય.
હવે આ ચુકાદાથી ન ફક્ત પલક્કડની આ મહિલાને રાહત મળી છે, પણ આખા દેશની એવી મહિલાઓ માટે આશા જાગી છે, જે આવી હાલતમાંથી પસાર થઈ રહી છે. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, પતિના મળત્યુ બાદ પણ મહિલાને તેના ઘરમાંથી કાઢી શકાય નહીં અને તેની સાથે કાયદો છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
