News of Sunday, 27th April 2025
પહેલગામ હુમલા પર વિવાદાસ્પદ પોસ્ટ બદલ 7 રાજ્યોમાંથી 28ની ધરપકડ : આસામના ધારાસભ્ય સહિત પત્રકાર, વકીલ અને 23 વિદ્યાર્થીઓનો સમાવેશ
ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, આસામ, મેઘાલય અને ત્રિપુરામાં કાર્યવાહી : આસામમાં સૌથી વધુ 16 ધરપકડ

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવા બદલ દેશના 7 રાજ્યોમાંથી કુલ 28 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડોમાં આસામની વિપક્ષી પાર્ટી AIUDF ના એક ધારાસભ્ય, એક પત્રકાર, એક વકીલ, બે નિવૃત્ત શિક્ષકો અને 23 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ કરવા બદલ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, આસામ, મેઘાલય અને ત્રિપુરામાં ધરપકડો કરવામાં આવી છે. સૌથી વધુ 16 ધરપકડ આસામમાંથી કરવામાં આવી છે. પહેલી ધરપકડ 24 એપ્રિલના રોજ આસામના એક ધારાસભ્ય અમીનુલ ઇસ્લામની થઈ હતી, જેમણે 2019 ના પુલવામા હુમલા અને 22 એપ્રિલના પહેલગામ હુમલાને ‘સરકારનું કાવતરું’ ગણાવ્યું હતું. તેમના પર રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને 25 એપ્રિલના રોજ તેમને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
મધ્ય પ્રદેશના ભોપાલમાં 25 એપ્રિલના રોજ એક કોલેજના ગેસ્ટ લેક્ચરર નસીમ બાનોએ વોટ્સએપ પર પહેલગામ હુમલા અંગે વિવાદાસ્પદ વિડીયો શેર કર્યો હતો, જેના પગલે પોલીસે તેમની અટકાયત કરી છે. જો કે, લેક્ચરરે દાવો કર્યો છે કે તેણે તે વિડીયો બનાવ્યો નથી અને ભૂલથી વોટ્સએપ સ્ટેટસ પર લાગી ગયો હતો. આ પહેલા રાજ્યમાં આવા કેસોમાં 3 ધરપકડ થઈ ચૂકી છે. છત્તીસગઢમાં પણ એક વ્યક્તિએ પહેલગામ હુમલા પર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની સોશિયલ મીડિયા પર પ્રશંસા કરી હતી, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી છે.
આસામમાં 25 એપ્રિલના રોજ વિવાદાસ્પદ ટિપ્પણીના કેસમાં વધુ 6 ધરપકડ કરવામાં આવી હતી, જેમાં એક પત્રકાર, એક વિદ્યાર્થી અને એક વકીલનો સમાવેશ થાય છે. આ આરોપીઓએ સોશિયલ મીડિયા પર સરકાર અને દેશ વિરોધી ટિપ્પણીઓ કરી હતી. ત્રિપુરામાં અત્યાર સુધીમાં ચાર ધરપકડ કરવામાં આવી છે, જેમાં બે નિવૃત્ત શિક્ષકો પણ સામેલ છે. ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને મેઘાલયમાંથી પણ એક-એક ધરપકડ કરવામાં આવી છે.
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું છે કે જો જરૂર પડશે તો આ ધરપકડો પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) પણ લગાવવામાં આવશે. તેઓ તમામ સોશિયલ મીડિયા પોસ્ટ્સની તપાસ કરી રહ્યા છે અને જે પણ રાષ્ટ્રવિરોધી જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાનમાં કોઈ સમાનતા નથી અને બંને દેશો પરસ્પર દુશ્મન છે અને આપણે એવા જ રહેવું જોઈએ.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
