News of Sunday, 27th April 2025
ગોંડલમાં તણાવપૂર્ણ માહોલ : અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચ્યા : મુલાકાત સામે ગણેશ જાડેજાના સમર્થકોનો વિરોધ : ઠેક ઠેકાણે કાળા વાવટા ફરકાવ્યા : જુઓ વિડીયો
બેનરો અને સૂત્રોચ્ચાર સાથે આક્રોશ : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત : ગોંડલમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ

રાજકોટ, તા. 27 એપ્રિલ 2025: ગોંડલમાં આજે પાટીદાર યુવા નેતા અલ્પેશ કથીરિયાની મુલાકાત દરમિયાન ભારે તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાના સમર્થકોએ અલ્પેશ કથીરિયાના આગમન સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો. ગણેશ જાડેજાના સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થઈ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા અને તેમના હાથમાં બેનરો દેખાયા, જેમાં અલ્પેશ કથીરિયાનું નામ લીધા વિના તેમના પર પરોક્ષ રીતે નિશાન સાધવામાં આવ્યું હતું.
આ બેનરોમાં લખવામાં આવ્યું હતું, “ભગવતભૂમિ ગોંડલને લાંછન લગાડતી જ્ઞાતિવાદી માનસિકતા સામે ગોંડલના જન-જનનો આક્રોશ.” આ વિરોધની સામે અલ્પેશ કથીરિયાના સમર્થકો પણ મોટી સંખ્યામાં ગોંડલ પહોંચ્યા હતા, જેના કારણે શહેરમાં ઉગ્ર માહોલ સર્જાયો. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે પોલીસે મોટા પાયે કાફલો તૈનાત કર્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
આ ઘટનાની પૃષ્ઠભૂમિ ગણેશ જાડેજાએ અગાઉ આપેલા પડકાર અને તેના જવાબમાં પાટીદાર યુવા નેતાઓની ગોંડલ મુલાકાતથી શરૂ થઈ હતી. અલ્પેશ કથીરિયાએ આ મુલાકાતની જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા કરી હતી, જે બાદ ગોંડલમાં રાજકીય ગરમાવો વધ્યો છે. પોલીસે શાંતિ જાળવવા માટે રીબડા, આશાપુરા ચોકડી અને ગોંડલના મુખ્ય વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.
આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ ચર્ચાઓ ચાલી રહી છે, અને આગામી થોડા કલાકોમાં પરિસ્થિતિ કેવી રહે છે તેના પર સૌની નજર રહેશે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
