News of Thursday, 13th March 2025
આતંકીઓને જહન્નુમ મોકલી દીધા' :પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેકના 30 કલાક બાદ પીએમ શાહબાઝનું નિવેદન
30 કલાક બાદ પાક સેનાએ સફળતાપૂર્વક બચાવ કામગીરી હાથ ધરી: તમામ આતંકીઓને ઠાર માર્યા : શરીફે શહીદોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

પાકિસ્તાનના ક્વેટામાં જાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજેકના લગભગ 30 કલાક બાદ પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફનું પહેલું નિવેદન સામે આવ્યું છે. શાહબાઝ શરીફે લખ્યું છે કે ડઝનબંધ આતંકવાદીઓને જહન્નુમમાં મોકલવામાં આવ્યા હતા.
પીએમ શહેબાઝ શરીફે X પર એક પોસ્ટમાં લખ્યું, મેં મુખ્ય પ્રધાન સરફરાઝ બુગતી સાથે વાત કરી, જેમણે મને જાફર એક્સપ્રેસ પરના જઘન્ય આતંકવાદી હુમલા અંગેના નવીનતમ ઘટનાક્રમ વિશે અપડેટ કર્યું. આ ક્રૂર કૃત્યથી સમગ્ર રાષ્ટ્ર આઘાતમાં છે અને નિર્દોષ લોકોના જીવ ગુમાવવાથી દુઃખી છે. આવી કાયરતાપૂર્ણ કાર્યવાહી પાકિસ્તાનના શાંતિના સંકલ્પને ડગમગાવી શકશે નહીં.
શાહબાઝે કહ્યું, હું શહીદોના પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું. અલ્લાહ તેમને જન્નત આપે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના છે. ડઝનબંધ આતંકવાદીઓને જહન્નુમમાં મોકલવામાં આવ્યા છે.
બલૂચિસ્તાન પ્રાંતમાં પ્રતિબંધિત બલૂચ લિબરેશન આર્મી (બીએલએ) એ મંગળવારે બોલાન પાસ પર ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનને રોકી હતી અને મુસાફરોને બંધક બનાવ્યા હતા. ત્યારપછી પાકિસ્તાની સેના 30 કલાક સુધી બચાવ અભિયાન ચલાવી રહી હતી.
પાકિસ્તાનના ઈન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ બુધવારે જણાવ્યું હતું કે જાફર એક્સપ્રેસ ટ્રેનના હુમલા અને અપહરણના એક દિવસ પછી બલૂચિસ્તાનમાં શરૂ કરવામાં આવેલ બચાવ અભિયાન પૂર્ણ થઈ ગયું છે. તેમણે કહ્યું કે ત્યાં હાજર તમામ 33 આતંકવાદીઓ માર્યા ગયા છે.
લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફે જણાવ્યું હતું કે, 11 માર્ચે, આતંકવાદીઓએ બોલનમાં લગભગ 1 વાગ્યે રેલવે ટ્રેકને નિશાન બનાવ્યું અને તેને ઉડાવી દીધું અને જાફર એક્સપ્રેસને રોકી દીધી. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રેનમાં 440 મુસાફરો સવાર હતા.
ઓપરેશનની વિગતો આપતા લેફ્ટનન્ટ જનરલ ચૌધરીએ જણાવ્યું હતું કે જે વિસ્તારમાં આ ઘટના બની હતી ત્યાં પહોંચવું મુશ્કેલ હતું કારણ કે તે વસાહતો અને રોડ નેટવર્કથી દૂર હતું.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
