<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

8માં પગાર પંચ પહેલા DAમાં વધારો કરાશે ? મોંઘવારી ભથ્થું વધીને 55 ટકા થવાની શક્યતા:

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ મહિને મોંઘવારી ભથ્થામાં વધારો થવાની સંભાવના

નવી દિલ્હી : 8માં પગાર પંચની રચનાએ વેગ પકડ્યો છે, ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ મહિને મોંઘવારી ભથ્થામાં વધારો થવાની સંભાવના છે. સાતમા પગાર પંચની ભલામણોના આધારે ધારાધોરણો મુજબ, ડીએ વધારાની જાહેરાત સામાન્ય રીતે માર્ચમાં કરવામાં આવે છે અને 1 જાન્યુઆરીથી તેનો અમલ કરવામાં આવે છે.
8માં પગાર પંચની ઔપચારિક રચના પહેલા, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માર્ચ 2025માં તેમના મોંઘવારી ભથ્થા (DA)માં વધારો થવાની આશા રાખી રહ્યા છે. હાલમાં 8માં કેન્દ્રીય પગાર પંચ (CPC)ની રચનાની કામગીરી ચાલી રહી છે. આશા છે કે નવી પે પેનલ ટૂંક સમયમાં જ સ્થાપિત કરવામાં આવી શકે છે અને તે આવતા મહિના (એપ્રિલ 2025) થી તેનું કામ શરૂ કરશે.
ડીએનો દર કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા છ મહિનાના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ (એઆઇસીપીઆઇ-આઇડબલ્યુ)ના આધારે નક્કી કરવામાં આવે છે. આ ડેટા શિમલાના લેબર બ્યુરો દ્વારા સમયાંતરે બહાર પાડવામાં આવે છે.
લેબર બ્યુરો દ્વારા શેર કરવામાં આવેલા તાજેતરના ડેટા મુજબ, ડિસેમ્બર 2024માં એઆઈસીપીઆઈ-આઈડબ્લ્યુ ડેટા 0.8% ઘટીને 143.7 પર આવી ગયો છે. ઔદ્યોગિક કામદારો માટે સીપીઆઇ ફુગાવામાં આ મંદીના આધારે, જે મોંઘવારી ભથ્થાનો દર નક્કી કરવા માટે નિર્ણાયક છે તે અગાઉ મીડિયામાં એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને આ મહિને માત્ર 2 ટકાનો ડીએ વધારો મળી શકે છે. જો કે, આ પ્રકારના વધારાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએના દરને બેઝિક પગારના 55 ટકા સુધી લઇ જશે.
દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓના પ્રતિનિધિઓ પણ ડીએમાં માત્ર 2% વધારાની અપેક્ષા રાખી રહ્યા છે, એમ એક અહેવાલમાં જણાવાયું છે. તાજેતરમાં એનડીટીવી પ્રોફિટે કોન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્નમેન્ટ એમ્પ્લોઇઝ એન્ડ વર્કર્સના પ્રમુખ રૂપક સરકારને ટાંકીને જણાવ્યું હતું કે તેઓ પણ તેમની ગણતરીના આધારે ડીએમાં 2 ટકા વધારાની અપેક્ષા રાખી રહ્યા છે.
રિપોર્ટમાં વધુમાં એનસી-જેસીએમ (સ્ટાફ સાઇડ)ના સચિવ શિવ ગોપાલ મિશ્રાને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો થવાની સંભાવના છે.
સાતમા પગાર પંચની ભલામણોના આધારે ધારાધોરણો મુજબ સામાન્ય રીતે ડીએ વધારો કેન્દ્ર સરકાર દ્વારા માર્ચમાં જાહેર કરવામાં આવે છે અને 1 જાન્યુઆરીથી તેનો અમલ કરવામાં આવે છે. 8માં પગાર પંચના અધ્યક્ષ અને સભ્યોને આગામી સપ્તાહોમાં આખરી ઓપ આપવામાં આવે તેવી શક્યતા છે, ત્યારે કર્મચારીઓ ટૂંક સમયમાં ડીએમાં બેઝિક પગારના 53 ટકાથી વધારીને 55 ટકા કરવાની આશા રાખી રહ્યા છે. ડીએ વધારા અંગે અંતિમ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા લેવામાં આવશે.

(7:03 PM IST)