News of Tuesday, 11th February 2025
ટ્રમ્પ સરકારના ફેંસલાથી અદાણી ગ્રુપને જલ્સો : કેસ જ થઇ જશે દુર : શેરનાં ભાવમાં ઉછાળો
મોદીના આગમન પહેલા ખાસ મિત્રની ખાસ ભેટ

નવી દિલ્હી, તા.૧૧: શેરબજાર ધડામ થયું જોવા મળી રહ્યું છે પરંતુ, અદાણી ગ્રુપના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડને સૌથી વધુ ફાયદો થયો. તેના શેરમાં ૪.૨૮ ટકાનો વધારો થયો. અદાણી પાવરના શેરમાં ૪.૧૭ ટકાનો વધારો થયો હતો, અને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના શેરમાં ૩.૩૪ ટકાનો વધારો થયો હતો. NDTV ના શેરમાં પણ ૩.૮૪નો વધારો થયો. જોકે, શેરબજારમાં કડાકાને કારણે આ શેરો પણ લાલ નિશાન પર પહોંચી ગયા હતા. અદાણી ગ્રુપના શેરમાં વધારો થવાનું કારણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય હતો.
અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી અને તેમની કેટલીક કંપનીઓ પર અમેરિકામાં ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના આરોપો લાગ્યા હતા. આ કાર્યવાહી ૧૯૭૭ના ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA) હેઠળ કરવામાં આવી હતી. પરંતુ હવે ટ્રમ્પે આ કાયદા પર અસ્થાયી રૂપે રોક લગાવી દીધી છે.
FCPA એ ૧૯૭૭નો કડક કાયદો છે જે યુ.એસ. કંપનીઓ અને નાગરિકોને વ્યવસાયિક લાભ મેળવવા માટે વિદેશી સરકારી અધિકારીઓને લાંચ આપવાથી પ્રતિબંધિત કરે છે. તેનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય વ્યવસાયમાં નૈતિકતા અને પારદર્શિતાને પ્રોત્સાહન આપવાનો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ન્યાય વિભાગને FCPA હેઠળ ચાલી રહેલી તમામ તપાસ અને કેસોને રોકવાનો આદેશ આપ્યો છે. આ પ્રતિબંધ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી યુએસ એટર્ની જનરલ ટ્રમ્પના નિર્દેશ મુજબ નવી માર્ગદર્શિકા જારી ન કરે. આનાથી અદાણી ગ્રુપને પણ મોટી રાહત મળશે, જેની સામે FCPA હેઠળ કેસ ચાલી રહ્યો છે.
FCPA અંગે, ટ્રમ્પ વહીવટીતંત્ર કહે છે કે આ કાયદામાં ઘણી ખામીઓ છે, જે અમેરિકન કંપનીઓની સ્પર્ધા કરવાની ક્ષમતા પર પ્રતિકૂળ અસર કરે છે. આ કાયદાના કારણે અમેરિકન કંપનીઓ માટે વૈશ્વિક વેપારની તકો મેળવવાનું વધુ મુશ્કેલ બની રહ્યું હતું, ખાસ કરીને ખનિજો, બંદરો અને માળખાગત સુવિધાઓ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં.
આગળ કયા ફેરફારો થઈ શકે છે?
FCPA હેઠળ, યુએસ સ્થિત ગોલ્ડમેન સૅક્સ જેવી કંપનીઓને મલેશિયન સોવરિન ફંડ કૌભાંડમાં સંડોવણી બદલ ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, જો ટ્રમ્પ વહીવટીતંત્ર FCPA ની જોગવાઈઓને નબળી બનાવીને અમેરિકન કંપનીઓને છૂટ આપે છે, તો તેઓ વૈશ્વિક સ્તરે ઝડપથી વિસ્તરણ કરી શકશે. આ માટે તેમને સરકારી કર્મચારીઓને લાંચ આપવામાં પણ મુક્તિ મળશે. જોકે, ટીકાકારો કહે છે કે આ વૈશ્વિક ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં એક ડગલું પાછળ હટવા જેવું છે.(
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
