News of Thursday, 2nd January 2025
ઓપરેશન કર્યા પછી ડોકટર ગાભો મહિલાના પેટમાં જ ભુલી ગયા
બેદરકારીના કારણે મહિલા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે : સહારનપુર જિલ્લા મહિલા હોસ્પિટલમાં કિસ્સો

સહારનપુર તા. ૨ : જિલ્લા મહિલા હોસ્પિટલમાં સિઝેરિયન દરમિયાન બેદરકારીથી પેટમાં કપડાનો ટુકડો છુટી ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પીડિતા મીનૂને અનેક સ્થળે સારવાર બાદ પીજીઆઇ ચંડીગઢમાં દાખલ કરાવાઇ જયાં ઓપરેશન દરમિયાન કપડાનો ટુકડો કાઢવામાં આવ્યો. આ બેદરકારીના કારણે આંતરડામાં સડો થઇ ગયો હતો જેથી આંતરડું કાપવું પડ્યું હતું.
સહારનપુરમાં સિઝેરિયન દરમિયાન પેટમાં ગોઝ પીસ છુટી ગયાનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાનૌત વિસ્તારના ગામ ટિકરોલના રહેવાસી સચિન વિશ્વકર્માએ જણાવ્યું કે, તેણે ગત્ત વર્ષે પ્રસવ માટે પત્ની મીનુને જિલ્લા મહિલા હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ સિઝેરિયન પ્રસવ દરમિયાન ડોક્ટરની બેદરકારીના કારણે કપડાનો ટુકડો પેટમાં જ છુટી ગયો હતો. થોડા દિવસો બાદ તેને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. તેણે અનેક ડોક્ટર્સને દેખાડ્યું પરંતુ કોઇ જ ફાયદો થયો નહોતો.
પીડિતાને સહારનપુરની એક ખાનગી હોસ્પિટલમાં એક મહિના સુધી દાખલ રાખવામાં આવી હતી. જો કે સમસ્યા શું છે તે અંગે કોઇ જ માહિતી મળી નહોતી. અનેક સ્થળોએ દેખાડ્યા બાદ સચિને પત્ની મીનુને ગંભીર સ્થિતિમાં ૨૧ ડિસેમ્બરે પીજીઆઇ ચંડીગઢમાં દાખલ કરી હતી. જયાં ઓપરેશન દરમિયાન તેના પેટમાંથી કપડાનો ટુકડો કાઢવામાં આવ્યો હતો.
જો કે દરમિયાન તેના આંતરડામાં રસી થઇ જવાના કારણે આંતરડું ફાટી ગયું હતું. જેના કારણે તેટલો વિસ્તાર કાપવો પડ્યો હતો. મહિલાની સ્થિતિ હાલમાં પણ ખુબ જ ગંભીર છે. સચિને આ મામલે ફરિયાદ દાખલ કરાવવાની અને બેદરકારી દાખવનાર અને ત્યાર બાદ તેને એક મહિનો સારવારના નામે દાખલ રાખીને લૂંટનારી હોસ્પિટલ વિરૂદ્ધ ફરિયાદ કરવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે. પીડિતા હાલ ચંડીગઢ પીજીઆઇમાં જ સારવાર ચાલી રહી છે
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
