<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

મોહન ભાગવત સંઘના અધ્યક્ષ, હિન્દુ ધર્મના નહીં : સ્વામી રામભદ્રાચાર્ય

જ્યાં પણ પ્રાચીન મંદિરોના પુરાવા ઉપલબ્ધ છે, અમે તેમને પુનઃસ્થાપિત કરવાના પ્રયત્નો કરીશું. આ કંઈ અમારો નવો વિચાર નથી

મુંબઈ:  મુંબઈના કાંદીવલી પૂર્વમાં ચાલી રહેલી રામકથા દરમિયાન રામભદ્રાચાર્યે મીડિયા સાથે વાતચીત દરમિયાન મંદિરના જીર્ણોધારને લઈને સંઘ પ્રમુખ મોહન ભાગવતના નિવેદન પર નારાજગી દર્શાવી છે. તુલસી પીઠના પીઠાધીશ્વર રામભદ્રચાર્યએ કહ્યું કે, તેઓ મોહન ભાગવતના નિવેદન સાથે સહમત નથી.

       જગદગુરુએ કહ્યું કે, મોહન ભાગવત અમારા અનુશાસક નથી, પરંતુ અમે એમના અનુશાસક છીએ. તેઓ સંઘના અધ્યક્ષ હોઈ શકે છે, પરંતુ હિન્દુ ધર્મના નહીં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના અધ્યક્ષ મોહન ભાગવતે કહ્યું કે, મંદિર-મસ્જિદનો મુદ્દો કેટલાક લોકો ઉઠાવી રહ્યા છે જેથી તેઓ પોતાને હિન્દુઓના નેતા તરીકે સ્થાપિત કરી શકે. ખાસ કરીને રામ મંદિરના સંદર્ભમાં આવું વિશેષ રૂપે જોવા મળી રહ્યું છે. 

     આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના આ નિવેદન વિશે મીડિયા સાથે વાત કરતા સ્વામી રામભદ્રાચાર્ય મહારાજે કહ્યું હતું કે “તેમનું નિવેદન વ્યક્તિગત હોઈ શકે છે, અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી કારણકે અમે તેમના નિયંત્રણ હેઠળ નથી. અમારું ધ્યાન હંમેશા ધર્મની શિસ્ત અને સત્ય પર હોય છે. જ્યાં પણ હિન્દુ ધર્મની વાત હશે ત્યાં અમારી હાજરી હશે.

    ”વધુમાં મહારાજે એમ પણ જણાવ્યું હતું કે જ્યાં પણ પ્રાચીન મંદિરોના પુરાવા ઉપલબ્ધ છે, અમે તેમને પુનઃસ્થાપિત કરવાના પ્રયત્નો કરીશું. આ કંઈ અમારો નવો વિચાર નથી,પરંતુ સત્યપર આધારિત આપણી સંસ્કૃતિ અને ધર્મની જાળવણી છે. હિન્દુઓ સંગઠિત હોવા જોઈએ, તેમનું ધ્રુવીકરણ ન થવું જોઈએ. પાડોશી દેશ બાંગ્લા દેશમાં હિન્દુ અલ્પસંખ્યકો પર થઈ રહેલા અત્યાચારોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે  સરકાર પગલાં લઈ રહી છે પરંતુ હવે વધુ કડક પગલાં ભરવાની જરૂર છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કડક વલણ અપનાવવા કહીશ. સંભલ વિવાદ પર તેઓએ કહ્યું કે મંદિરના મુદ્દા પર સંઘર્ષ ચાલુ રહેશે. જે કંઈ થઈ રહ્યું છે તે યોગ્ય નથી થઈ રહ્યું, પરંતુ મંદિર હોવાના પ્રમાણ મળ્યા છે. અમે તેને લઈને જ રહીશું, તે પછી વોટ થી કે કોર્ટથી

(11:39 PM IST)