<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

કોનું ચ્‍યવનપ્રાશ વધુ સારૂ છે ? પતંજલિ અને ડાબર વચ્‍ચે કોર્ટમાં ટક્કર

‘પતંજલિની જાહેરાત તાત્‍કાલિક બંધ થવી જોઈએ' કોર્ટમાં ડાબરે કરી ચ્‍યવનપ્રાશની એડ અંગે ફરિયાદ

નવી દિલ્‍હી, તા.૨૫: શિયાળો આવતા જ અનેક ઘરોમાં સવારનો નાસ્‍તો ચ્‍યવનપ્રાશ સાથે શરૂ થઈ જાય છે. ઘણી કંપનીઓ પોતાની બ્રાન્‍ડના ચ્‍યવનપ્રાશ બજારમાં વેચે છે. દરેક કંપની પોતાને અન્‍ય કરતા વધુ સારી ગણાવે છે, પરંતુ આ વખતે મામલો વધુ ગંભીર બન્‍યો છે. ડાબર અને પતંજલિ, ચ્‍યવનપ્રાશનું ઉત્‍પાદન કરતી વર્ષો જૂની કંપનીઓ કોર્ટમાં પહોંચી છે અને દાવો કરે છે કે, તેમના સંબંધિત ઉત્‍પાદનો વધુ સારા છે. હવે દિલ્‍હી હાઈકોર્ટમાં ચર્ચા ચાલી રહી છે કે, ચ્‍યવનપ્રાશ કોનું વધુ શક્‍તિશાળી છે.

ડાબરે પતંજલિની તાજેતરની જાહેરાતનો વિરોધ કરીને દિલ્‍હી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ડાબર ઈન્‍ડિયાના પ્રતિનિધિ અખિલ સિબ્‍બલે કહયું કે, પતંજલિની જાહેરાત ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારી છે અને ચ્‍યવનપ્રાશ બનાવતી અન્‍ય કંપનીઓની પદ્ધતિઓ અને માહિતી પર સવાલો ઉભા કરે છે. ડાબરનું કહેવું છે કે, પતંજલિ તેની જાહેરાત દ્વારા અમારી ચ્‍યવનપ્રાશ બ્રાન્‍ડને ટાર્ગેટ કરી રહી છે.

ડાબરે દિલ્‍હી હાઈકોર્ટના ન્‍યાયાધીશ મિની પુષ્‍કર્ણની કોર્ટમાં કહયું કે, પતંજલિની જાહેરાત તાત્‍કાલિક બંધ કરવી જોઈએ, કારણ કે તેનાથી કંપનીની પ્રતિષ્ઠાને અસર થઈ રહી છે. નોટિસ આપીને કોર્ટે કેસની આગામી સુનાવણી જાન્‍યુઆરીના અંતિમ સપ્‍તાહમાં નક્કી કરી છે. જ્‍યારે ડાબરે કોર્ટ પાસે તાત્‍કાલિક રાહતની માંગ કરી તો કોર્ટે બંને પક્ષોને તેમની દલીલો રજૂ કરવા કહયું હતું.

ડાબર ઈન્‍ડિયાના પ્રતિનિધિ અખિલ સિબ્‍બલે જણાવ્‍યું હતું કે, અમારી કંપની ડ્રગ એન્‍ડ કોસ્‍મેટિક એક્‍ટમાં દર્શાવેલ પદ્ધતિ મુજબ જ ચ્‍યવનપ્રાશનું ઉત્‍પાદન કરે છે. પરંતુ, પતંજલિએ તેની જાહેરાતમાં અમારી પ્રોડક્‍ટને ‘એવરેજ' ગણાવી છે, જે અમારા બિઝનેસને નુકસાન પહોંચાડી રહી છે. ડાબર આ શ્રેણીમાં ભારતીય બજારનો ૬૧ ટકા હિસ્‍સો ધરાવે છે.

પતંજલિની જાહેરાતમાં બાબા રામદેવ કહે છે, ‘જેને આયુર્વેદ અને વેદનું જ્ઞાન નથી, તેઓ ચરક, શુશ્‍રુત, ધન્‍વંતરિ અને ચ્‍યવનઋષિની પરંપરામાં અસલ ચ્‍યવનપ્રાશ કેવી રીતે તૈયાર કરી શકશે?' કંપનીની આ જાહેરાત વિવિધ ટીવી ચેનલો પર બતાવવામાં આવી રહી છે અને અખબારોમાં પણ તેની જાહેરાત કરવામાં આવી છે. ડાબરનું કહેવું છે કે, પતંજલિ પહેલા પણ આવી જ રણનીતિ અપનાવી ચૂકી છે. પતંજલિના વકીલ જયંત મહેતાએ પોતાનો કેસ રજૂ કરવા માટે થોડો સમય માંગ્‍યો છે.

(2:25 PM IST)