<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે : વિજયભાઈ રૂપાણીએ કહ્યું -પહેલા હાઇકમાન્ડને જાણ કરાશે પછી જાહેરાત કરાશે

કાલે ભાજપની ધારાસભ્ય દળની બેઠક:ભાજપ દ્વારા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પર્યવેક્ષક બનાવાયા છે બંને રાત સુધીમાં મુંબઈ પહોંચશે

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયાના 10 દિવસ બાદ પણ હજુ સુધીમાં રાજ્યમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે, તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી ભાજપ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ પર્યવેક્ષક વિજયભાઈ  રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું છે કે, બુધવારના રોજ ધારાસભ્ય દળના નેતાને ચૂંટી લેવામાં આવશે અને ભાજપ હાઇકમાન્ડને તેના વિશે જાણ કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં આગામી 5 ડિસેમ્બરના રોજ નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. ત્યારે સૌ કોઈની નજર આવતીકાલે થનારી ભાજપની ધારાસભ્ય દળની બેઠક પર છે. ભાજપ દ્વારા આ બેઠક માટે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીને પર્યવેક્ષક બનાવવામાં આવ્યા છે. આવતીકાલે બુધવારના રોજ સવારે 11 વાગ્યે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં રાજ્યના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ જશે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ કહ્યું કે, 'હું આજે સાંજે મુંબઈ જઈ રહ્યો છું. નિર્મલા સીતારમણ પણ મુંબઈ આવી રહી છે. આવતીકાલે સવારે 11 વાગ્યે મહારાષ્ટ્ર ભાજપ ધારાસભ્ય દળની બેઠક થશે. અમે ત્યાં ચર્ચા-વિચારણા કરીશું. તે બાદ સર્વસંમતિથી ધારાસભ્ય દળના નેતાને ચૂંટવામાં આવશે. નામ પહેલા પહેલા હાઇકમાન્ડને જાણ કરાશે. ત્યારબાદ જાહેરાત કરવામાં આવશે.'

(1:54 PM IST)