તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 28th November 2024
સંભલ પોલીસ છાવણીમાં ફેરવાયું :15 PAC, 2 RAF, 10 જિલ્લાની પોલીસ...જુમ્માની નમાજ પરંતુ અનિચ્છનીય બનાવની આશંકા
સંભલ અને ચંદૌસીમાં 15 કંપની પીએસી, 2 કંપની આરએએફ, 10 જિલ્લા પોલીસ અને મહિલા પોલીસની ટીમો તૈનાત કરાશે

સંભલની જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલી હિંસા બાદ ઉત્તર પ્રદેશ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. આવતીકાલે યોજાનારી શુક્રવારની નમાજ પહેલા પોલીસે સંભલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે, સંભલને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દરેક ખૂણે-ખૂણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સીસીટીવી અને ડ્રોનની મદદથી સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવશે.
સંભલ હિંસા બાદ સંભલ પોલીસે ચંદૌસી કોર્ટમાં શુક્રવારની નમાજ અને સુનાવણી માટે મોટી તૈયારીઓ કરી લીધી છે. પોલીસે સંભલમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. 15 કંપની પીએસી, 2 કંપની આરએએફ, 10 જિલ્લા પોલીસ અને મહિલા પોલીસની ટીમો સવારથી જ સંભલ અને ચંદૌસીમાં તૈનાત કરવામાં આવશે. પોલીસ ડ્રોન કેમેરા અને સીસીટીવી કેમેરા દ્વારા તમામ સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખશે. આ સાથે કેટલાક પોલીસકર્મીઓ પણ રેકોર્ડિંગ કેમેરા સાથે અલગથી તૈનાત રહેશે. પ્રશાસને તોફાની ટોળાએ તોડી નાખેલા કેમેરાની જગ્યાએ નવા કેમેરા લગાવ્યા છે. જેથી દરેક ગતિવિધિ પર નજર રાખી શકાય.
સંભલમાં કલમ 163 લાગુ રહેશે એટલે કે એક જગ્યાએ 4 થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. સંભલમાં ઈન્ટરનેટ બંધ રહેશે. જામા મસ્જિદની બહાર કોઈ નમાજ થશે નહીં, ફક્ત મસ્જિદ પરિસરમાં જ થશે. માત્ર જામા મસ્જિદની આસપાસના લોકોને જ મસ્જિદમાં નમાઝ અદા કરવાની મંજૂરી આપવામાં આવશે. મસ્જિદના તમામ દરવાજા પર મેટલ ડિટેક્ટર લગાવવામાં આવશે જેથી કોઈ વ્યક્તિ અંદર હથિયારો લઈ જઈ ન શકે.
જામા મસ્જિદ અને કોર્ટ પાસે એન્ટી રાઈટ સ્કવોડની ટીમ તૈનાત રહેશે. જામા મસ્જિદની આસપાસના ઘરોની છત પર પોલીસકર્મીઓ તૈનાત રહેશે. સાવચેતી રાખીને પોલીસે શુક્રવાર પહેલા 50 થી વધુ અસામાજિક તત્વોની અટકાયત કરી હતી.
ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલી હિંસાએ બધાને પરેશાન કરી દીધા છે. આ હિંસામાં ચાર લોકોના મોત થયા હતા અને 20થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ કેસમાં તોફાનીઓના વીડિયો અને ઓડિયો પણ પુરાવા તરીકે સામે આવ્યા છે, જેના આધારે પોલીસ તોફાનીઓ સામે કાર્યવાહી કરી રહી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 29 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
