<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

આતંકવાદી પન્નુ વિરુદ્ધ NIAની મોટી કાર્યવાહી : ચંદીગઢ-અમૃતસરમાં અનેક સંપત્તિઓ જપ્ત

NIAએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી ચંદીગઢ અને અમૃતસરમાં તેમની ત્રણ મિલકતો જપ્ત કરી

નવી દિલ્હી :નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. NIA પન્નુ વિરુદ્ધ નોંધાયેલા 6 કેસની તપાસ કરી રહી છે. આ મામલાઓને લઈને દેશમાં તેમની ઘણી સંપત્તિઓ જપ્ત કરાઈ છે. તેની ચંદીગઢ અને અમૃતસરમાં ત્રણ પ્રોપર્ટી છે. તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે.

    NIA રોહિણી બ્લાસ્ટ કેસની પણ તપાસ કરી રહી છે. જો કે હજુ સુધી તેને આ કેસમાં કોઈ લીડ મળી નથી. NIAની સાથે દિલ્હી પોલીસ પણ આ કેસની તપાસ કરી રહી છે. NIA આ કેસમાં પોલીસના સહયોગીની ભૂમિકા ભજવી રહી છે. પન્નુ અને રોહિણી બ્લાસ્ટ કેસ સિવાય નિજ્જર કેસમાં માહિતી મળી છે કે કેનેડાએ તેનું મૃત્યુ પ્રમાણપત્ર આપ્યું નથી. 

    જણાવવામાં આવી રહ્યું છે કે નિજ્જર વિરુદ્ધ NIAના 9 કેસ છે. નિજ્જરના કેસમાં NIAએ કેનેડા પાસેથી તેનું મૃત્યુ પ્રમાણપત્ર માંગ્યું હતું પરંતુ કેનેડાએ તેનો ઇનકાર કરી દીધો હતો. આ પહેલા ગુરુવારે NIAએ દિલ્હી એરપોર્ટ પરથી ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંહ દલા ઉર્ફે અર્શ દલાના નજીકના સહયોગીની ધરપકડ કરી હતી. 

   તેની ઓળખ પંજાબના ભટિંડાના રહેવાસી બલજીત સિંહ ઉર્ફે બલજીત મૌર તરીકે થઈ હતી. તે યુએઈથી આવ્યો હતો. દિલ્હી એરપોર્ટ પર પહોંચતા જ NIAએ તેને પકડી લીધો. તપાસમાં સામે આવ્યું કે બલજીત અર્શ દલાને મદદ કરતો હતો. દેશમાં પોતાના સહયોગીઓને મદદ કરી રહ્યો હતો. પ્રતિબંધિત સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ની ગતિવિધિઓ સાથે સંબંધિત કેસ સિવાય તે અન્ય ઘણા કેસમાં પણ વોન્ટેડ હતો.

(9:20 PM IST)