<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

દેશના અનેક ભાગોમાં ચોમાસાના વાદળો ધીમે ધીમે વિખરાવા લાગ્યા :આ વખતે દેશમાં ચોમાસું ખૂબ જ સારું રહ્યું

દેશના કેટલાક ભાગોને બાદ કરતાં મોટાભાગના વિસ્તારમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડ્યો : મોટાભાગના જળાશયોમાં પાણીથી છલકાયા અને રીચાર્જ થયા

નવી દિલ્હી : જૂન મહિનાથી શરૂ થયેલા ચોમાસાની સિઝન હવે પૂરી થવા જઈ રહી છે. દેશના અનેક ભાગોમાં ચોમાસાના વાદળો ધીમે ધીમે વિખરાવા લાગ્યા છે અને આગામી એક-બે સપ્તાહમાં દેશના ઘણાખરા ભાગોમાંથી ચોમાસાની વિદાય થશે. આ વખતે દેશમાં ચોમાસું ખૂબ જ સારું રહ્યું છે.
દેશમાં ગરમીએ અનેક વર્ષોનો રેકૉર્ડ તોડ્યા બાદ ચોમાસાની વ્યાપક પ્રમાણમાં રાહ જોવામાં આવતી હતી. દેશના કેટલાક ભાગોને બાદ કરતાં મોટાભાગના વિસ્તારમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થયો છે. આ વખતે દેશના અર્થતંત્ર માટે ખૂબ જ સારું ચોમાસુ રહ્યું છે. અલબત આ વખતે ચોમાસુ શું આપીને ગયું તે અંગે ચર્ચા કરશું.
દેશભરના જળાશયોમાં અગાઉના વર્ષની તુલનામાં વધુ પાણી
•    આ વખતે ચોમાસાએ દેશને સૌથી મોટી ભેટ એ આપી છે કે મોટાભાગના જળાશયોમાં પાણીથી છલકાયા છે અને રીચાર્જ થયા છે.
•    26 સપ્ટેમ્બરના રોજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે દેશના 155 જળાશયોમાં પાણીના સંગ્રહની સ્થિતિ ગયા વર્ષ કરતાં ઘણી સારી રહી છે અને તે સમાન્ય સ્તર કરતાં વધારે છે.
•    અત્યારે દેશમાં જળાશયોમાં ગયા વર્ષની તુલનામાં 121 ટકા અને સામાન્ય સ્તરની તુલનામાં 113 ટકા પાણી ઉપલબ્ધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં સરેરાશનો અર્થ છેલ્લા 10 વર્ષ દરમિયાનની સરેરાશ સ્થિતિ છે.
•    અત્યારે દેશના જળાશયો તેમની કુલ ક્ષમતાના 87 ટકા ભરાઈ ચુક્યા છે. આ આંકડા ખૂબ જ મહત્વના છે કારણ કે આ વર્ષે જૂન મહિનાના મધ્ય ભાગ સુધીમાં દેશના 150 મુખ્ય જળાશયોમાં પાણીનું પ્રમાણ ઘટીને કુલ ક્ષમતાના ફક્ત 21 ટકા થઈ ગયું હતું. તેને લીધે બેંગ્લુરુ સહિત અનેક ભાગોમાં પાણીની ભારે અછત સર્જાઈ હતી.
ખરીફ પાકની ઉજ્જવળ સ્થિતિ
•    ચોમાસાની દેશને બીજા મોટી ભેટ ખરીફ પાક સ્વરૂપે મળી છે. જે રીતે દેશના જળાશયોમાં વિપુલ પ્રમાણમાં પાણીનો સિંચઈ થયો છે એવી જ રીતે ખરીફ પાકનો વાવેતર વિસ્તાર પણ વધ્યો છે અને તે ગયા વર્ષની તુલનામાં વધારે રહ્યો છે.
•    કૃષિ મંત્રાલયની માહિતી પ્રમાણે ખરીફ પાકનો વાવેતર વિસ્તાર 1104 લાખ હેક્ટરને પાર થઈ ગયો છે. જે વર્ષ 2018-19થી વર્ષ 2022-23 દરમિયાન સામાન્ય વાવેતર વિસ્તાર 1096 લાખ હેક્ટર હતો. ગયા વર્ષે 1088.26 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું.
•    વિવિધ પાકોની વાત કરવામાં આવે તો ધાન, શ્રી અન્ન, તેલિબિયા તથા શેરડીનું વાવેતર સામાન્ય કરતાં ઘણું વધારે રહ્યું છે.
•    જ્યારે કઠોળનું વાવેતર વિસ્તાર સામાન્ય કરતાં ઓછો રહ્યો છે, જોકે ગયા વર્ષની તુલનામાં વધારે છે. દેશમાં કૃષિક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્યને જોતા મોંઘવારી ઘટે તેવી શક્યતા છે.
ભેજનું પ્રમાણ વધ્યું
•    ખરીફ પાક, પાણીનો સંગ્રહ સાથે સાથે હવે દેશના વિવિધ રાજ્યોમાં જમીનમાં ભેજનું ખૂબ જ સારું પ્રમાણ જોવા મળ્યુ છે. જેને લીધે આગામી રવી પાક માટે પણ સારું વાતાવરણ જોવા મળશે.
•    કર્ણાટક, આંધ્ર પ્રદેશ,તમિલનાડુ, તેલંગાણા તથા ગુજરાત અને હરિયાણા ઉપરાંત રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબમાં ભેજનું પ્રમાણ 9 વર્ષની સરેરાશને સમાન અથવા તો વધારે છે.

(7:43 PM IST)