<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

શિરડીનું આખું એરપોર્ટ જપ્ત કરવામાં આવશે ?

૮.૩૦ કરોડ રૂપિયાનો ટૅક્‍સ ભર્યો ન હોવાથી નોટિસ મોકલીને ગ્રામપંચાયતે જપ્તીનું વોરન્‍ટ જાહેર કર્યુ

શિરડી, તા.૧૦: મહારાષ્‍ટ્રના શિરડીમાં આવેલા સાંઈબાબાના વિખ્‍યાત મંદિરનાં દર્શન કરવા લાખો લોકો જાય છે એટલે ભક્‍તોની સુવિધા માટે અહીં રેલવે-સ્‍ટેશન અને ઍરપોર્ટ શરૂ કરવામાં આવ્‍યાં છે. જોકે શિરડી ઇન્‍ટરનૅશનલ એરપોર્ટ જ્‍યાં બનાવવામાં આવ્‍યું છે એ કોપરગાવ તાલુકાની કાકડી-મલ્‍હારવાડી ગ્રામપંચાયતે ૨૦૧૬થી ૮.૩૦ કરોડ રૂપિયાનો ટૅક્‍સ ન ભરવા બદલ શિરડી ઇન્‍ટરનેશનલ એરપોર્ટને નોટિસ મોકલી છે. આથી ઍરપોર્ટનું ટર્મિનલ બિલ્‍ડિંગ, પેટ્રોલ-પમ્‍પ, ઍર ટ્રાફિક કન્‍ટ્રોલ ટાવર સહિતની માલમતા જપ્ત કરવાનું વોરન્‍ટ પણ ગ્રામપંચાયતે જાહેર કર્યું છે. નોટિસમાં ગ્રામપંચાયતે નોંધ્‍યું છે કે ટૅક્‍સ ભરવા માટે રાજ્‍યની ઍરપોર્ટ ઑથોરિટી, મુખ્‍ય પ્રધાન અને નાયબ મુખ્‍ય પ્રધાનોને આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આઠ વર્ષથી ટૅક્‍સ ભરવામાં નથી આવી રહ્યો. શિરડી ઍરપોર્ટ બનાવવા માટે ગામની હજારો હેક્‍ટર જમીન સંપાદિત કરવામાં આવી હતી. એ સમયે કાકડી ગામમાં મૂળભૂત સુવિધા અને ગ્રામવિકાસ માટે ભંડોળ આપવાનું આશ્વાસન મહારાષ્‍ટ્ર સ્‍ટેટ ઍરપોર્ટ ડેવલપમેન્‍ટ ઑથોરિટીએ આપ્‍યું હતું. જોકે આ આશ્વાસન પૂરું કરવામાં નથી આવ્‍યું. ૮.૩૦ કરોડ રૂપિયાનો ટૅક્‍સ ન ભરવાથી ગામમાં વિકાસના કામમાં અડચણ આવી રહી.

(9:41 AM IST)