News of Thursday, 11th July 2024
અદાણી પોર્ટ્સની સુપ્રીમ કોર્ટમા જીતઃ મુંદ્રા જમીન મામલે ગુજરાત હાઇકોર્ટના આદેશ પર સ્ટે
૨૦ વર્ષ પહેલા અદાણી ગ્રૂપને ફાળવવામાં આવેલી જમીનની ફાળવણી રદ કરવા હાઈકોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી હતી

નવી દિલ્હી,તા. ૧૧: ગુજરાત સરકાર દ્વારા ૧૦૮ હેક્ટર જમીન પાછી ખેંચી લેવા સામે અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડની અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. અદાણી પોર્ટ્સ પાસેથી ૧૦૮ હેક્ટર જમીન પાછી લેવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ પર કોર્ટે સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.
કચ્છમાં અદાણી પોર્ટ્સને ૧૦૮ હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે એક જાહેર હિતની અરજીની સુનાવણી કરી હતી જેમાં જમીનની ફાળવણીને પડકારવામાં આવી હતી. જાહેર હિતની અરજીમાં સ્થાનિક સમુદાય માટે ગૌચર જમીન ગુમાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ૨૦ વર્ષ પહેલા અદાણી ગ્રૂપને ફાળવવામાં આવેલી જમીનની ફાળવણી રદ કરવા સૂચના આપવામાં આવી હતી.
આ સમગ્ર વિગત મુજબ ગુજરાત સરકારે હાઇકોર્ટને જાણ કરી હતી કે તે આશરે ૧૦૮ હેક્ટર ગૌચર જમીન પાછી લેશે. જે વર્ષ ૨૦૦૫માં કચ્છ જિલ્લામાં મુંદ્રા બંદર નજીક અદાણી જૂથના એકમને આપવામાં આવી હતી. અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડને ગૌચરની ૨૩૧ એકર જમીન ફાળવવાના નિર્ણય સામે નવીનાલ ગામના રહેવાસીઓએ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કર્યાના ૧૩ વર્ષ બાદ સરકારનો આ નિર્ણય લીધો હતો.
રાજયના મહેસૂલ વિભાગે ૨૦૦૫માં ફાળવણી કરી હોવા છતાં ૨૦૧૦માં જયારે APSEZએ ગૌચર જમીન પર ફેન્સિંગ કરવાનું શરૂ કર્યું ત્યારે ગ્રામજનોને તેની જાણ થઈ. રહેવાસીઓના જણાવ્યા મુજબ, APSEZને ૨૭૬ એકરમાંથી ૨૩૧ એકર જમીન ફાળવ્યા પછી ગામમાં માત્ર ૪૫ એકર ગૌચરની જમીન બચી છે. તેમણે દાવો કર્યો હતો કે આ જમીન જાહેર અને સામુદાયિક સંપત્તિ છે.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
