News of Tuesday, 2nd July 2024
પાક.માં દિયરે મિલ્કત માટે ભાભી અને ભત્રીજીને દીવાલમાં જીવતા ચણી દીધા
પોલીસે લોકોની મદદથી દિવાલ તોડીને માતા-પુત્રીને બચાવી લીધા

હૈદ્રાબાદ, તા.૨: પાકિસ્તાનના હેદરાબાદમાં મિલ્કતની લાલચમાં દિયરે પોતાની સગી વિધવા ભાભી અને ભત્રીજીને જીવતા દીવાલમાં ચણી દીધાં હોવાની અમાનવીય ઘટનાથી ચકચાર મચી જવા પામ્યો છે. જ્યારે સ્થાનિક લોકોએ બાળકીની ચીસો સાંભળી તો તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચીને લોકોની મદદથી દિવાલ તોડીને માતા-પુત્રીને બચાવી લીધાં હતાં. બંનેની હાલત ગંભીર છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જેણે મહિલાને બળજબરીથી દિવાલમાં ચણી હતી તે તેનો દિયર હતો, જેનું નામ સોહેલ છે. સોહેલને ડર હતો કે તેની ભાભી દિવાલ તોડી નાખશે, તેથી તેણે સિમેન્ટ અને ઇંટોથી પાકી દિવાલ ચણી નાખી હતી.
દરમિયાનમાં, મહિલાએ આરોપ લગાવ્યો છે કે સોહેલ તેને ઘણા વર્ષોથી મિલક્ત માટે હેરાન કરી રહ્યો હતો. મહિલાનો આરોપ છે કે સોહેલના પુત્ર અને પત્નીએ પણ તેની સાથે મારપીટ કરી હતી. પોલીસે સ્થળ પરથી ઘરની મિલક્તના દસ્તાવેજો કબજે કર્યા હતાં. મહિલાનું નામ તસ્લીમ છે. તસ્લીમે પોલીસને જણાવ્યું હતું કરે તેના પતિ અબ્દુલ હકનું ૧૦ વર્ષ પહેલા અવસાન થયું હતું. તે તેની પુત્રી સાથે ઘરની વચ્ચેના ભાગમાં રહેતી હતી. સોહેલ આખા ઘરનો કબજો કરી લેવા માંગતો હતો.
સૌપ્રથમ, સોહેલે તસ્લીમને ઘરની અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓથી વંચિત રાખી હતી. એ પછી, શુક્રવારે બપોરે, તેની પત્ની સાયમા અને તેના સાળા વસીમે તસ્લીમ અને તેની પુત્રીને ધક્કો મારીને એક રૂમમાં બંધ કરી દીધાં હતાં.
આ પછી તેઓએ તેમને દિવાલમાં ચણી દીધાં હતાં. પોલીસે લોકોને ખાતરી આપી છે કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. જોકે હજી સુધી પોલીસે આ મામલે કોઈની ધરપકડ કરી નથી
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
