News of Sunday, 30th June 2024
ભારે વરસાદમાં ડૂબી ગયેલા લોકોના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર અપાશે : દિલ્હી સરકારની મોટી જાહેરાત
શુક્રવારે દિલ્હીમાં ભારે વરસાદને કારણે લગભગ 11 લોકોના મોત થયા:હવે દિલ્હી સરકારે મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી:મંત્રી આતિશીએ કહ્યું -પોલીસના સહયોગથી અને હોસ્પિટલોની મુલાકાત લઈને મૃતકોની ઓળખ વહેલી તકે થવી જોઈએ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા બે મહિનાથી આકરી ગરમીએ લોકોને ખૂબ જ પરેશાન કરી દીધા છે, ત્યારે શુક્રવારે ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શુક્રવારે પડેલા વરસાદે છેલ્લા 4 મહિનાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. દિલ્હીમાં ભારે વરસાદને કારણે અનેક લોકોના મોત થયા છે. હવે દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. વરસાદમાં ડૂબી ગયેલા લોકોના પરિવારજનોને સરકારે વળતરની જાહેરાત કરી છે.
દિલ્હી સરકાર શુક્રવારે શહેરમાં ભારે વરસાદના કારણે ડૂબી ગયેલા લોકોના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપશે. મહેસૂલ વિભાગને મોકલવામાં આવેલા એક સત્તાવાર સંદેશમાં મંત્રી આતિશીએ કહ્યું કે માહિતી મળી છે કે 28 જૂનના રોજ ભારે વરસાદ બાદ ડૂબી જવાથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.
આતિશીએ આદેશમાં કહ્યું હતું કે, "આથી નિર્દેશ આપવામાં આવે છે કે જીવ ગુમાવનારા તમામ લોકોના નજીકના સંબંધીઓને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ACS રેવન્યુને વિસ્તારની હોસ્પિટલો અને દિલ્હી પોલીસ સાથે મળીને મૃતકોની ઓળખ કરવા અને GNCTD વતી તેમને ઉપરોક્ત વળતર તરત જ ચૂકવવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
આતિશીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "સૂચના આપવામાં આવી છે કે આ વળતર પીડિત પરિવારો સુધી જલ્દી પહોંચવું જોઈએ."
રાજધાનીમાં વરસાદ વચ્ચે વસંત વિહાર વિસ્તારમાં એક દીવાલ ધરાશાયી થઈ હતી, જેના કાટમાળમાંથી શનિવારે ત્રણ મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. વરસાદના કારણે મૃત્યુઆંક વધીને 11 થી વધુ થઈ ગયો છે.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
