News of Thursday, 20th June 2024
ભાજપ સરકારની નોકરશાહી અને નબળી સિસ્ટમ યુવાનો માટે ઘાતક:UGC-NET પરીક્ષા પર પ્રિયંકા ગાંધીના આકરા પ્રહાર
NEET પરીક્ષાના વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રાલયે UCC-NET પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ પર પરીક્ષા રદ કરી. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ મામલે સરકાર પર પ્રહારો કર્યા

નવી દિલ્હી :NEET પરીક્ષાના વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રાલયે UCC-NET પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ પર પરીક્ષા રદ કરી છે. તેમજ સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલે વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું છે કે ભાજપ સરકારની નોકરશાહી અને નબળી સિસ્ટમ યુવાનો માટે ઘાતક છે.
પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું છે કે NEET પરીક્ષામાં ગોટાળાના સમાચાર બાદ હવે 18મી જૂને લેવાયેલી નેટની પરીક્ષા પણ ગેરરીતિના ડરથી રદ કરવામાં આવી હતી. શું હવે જવાબદારી નક્કી થશે? શું શિક્ષણ મંત્રી આ નબળી વ્યવસ્થાની જવાબદારી લેશે?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ મામલે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદીને ટેગ કરતાં તેમણે કહ્યું, નરેન્દ્ર મોદીજી, તમે 'પરીક્ષા પે ચર્ચા'ની ઘણી વાતો કરો છો. આપણે NEET પરીક્ષા વિશે ક્યારે ચર્ચા કરીશું? UGC-NET પરીક્ષા રદ કરવી એ લાખો વિદ્યાર્થીઓની ભાવનાનો વિજય છે. આ મોદી સરકારના અહંકારની હાર છે, જેના કારણે તેઓએ આપણા યુવાનોના ભવિષ્યને કચડી નાખવાનો દૂષિત પ્રયાસ કર્યો.
તેમણે વધુમાં કહ્યું કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી પહેલા કહે છે કે NEETમાં કોઈ પેપર લીક થયું નથી. જ્યારે બિહાર, ગુજરાત અને હરિયાણામાં શિક્ષણ માફિયાઓની ધરપકડ થાય છે, ત્યારે એવું માનવામાં આવે છે કે કંઈક છેતરપિંડી થઈ છે. NEET પરીક્ષા ક્યારે રદ થશે? મોદીજી, તમારી સરકારની છેડછાડ અને NEET પરીક્ષામાં પેપર લીક થવાને રોકવાની જવાબદારી પણ લો.
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
