<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

મુંબઈમાં આકાશી આફત વચ્ચે માનખુર્દમાં બહુમાળી ‘ચાલ’ ધરાશાયી થતાં ૬ ના કરુણ મોત અને ૧ ઘાયલ : જુઓ વિડીયો

મુસળધાર વરસાદથી સર્જાયેલી તારાજી વચ્ચે કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ

મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં રવિવારે આખા દિવસ દરમિયાન ખાબકેલા પ્રલયકારી વરસાદ અને ફૂંકાયેલા જોરદાર વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે. મુંબઈના માનખુર્દ વિસ્તારમાં રવિવારે સાંજે એક બહુમાળી 'ચાલ' (ચોલ) અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ જતાં કમકમાટીભરી હોનારત સર્જાઈ છે. આ ભયાનક દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૬ લોકોના દબાઈ જવાથી કનિષ્ઠ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૧ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. અવિરત વરસાદના કારણે શહેરના અન્ય વિસ્તારોમાં પણ જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને કુર્લામાં પણ એક આશાસ્પદ વૃદ્ધનું વૃક્ષ પડવાના કારણે મોત નીપજ્યું છે.

 

સાંજના સમયે જનતા નગરમાં સર્જાઈ ભયાનક દુર્ઘટના:

પ્રાપ્ત વિગતો અનુસાર, માનખુર્દ વિસ્તારમાં આવેલી જનતા નગરની ચાલ નંબર ૫ માં રવિવારે રાત્રે અંદાજે ૮:૩૦ વાગ્યાના સુમારે આ ઘટના ઘટી હતી. હનુમાન મંદિરની પાછળ આવેલી આ બહુમાળી ચાલનો એક મોટો ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેના કારણે અંદર રહેતા પરિવારો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઈમરજન્સી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોની મદદથી મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

 

કુર્લામાં પણ દુકાન પર વૃક્ષ પડતાં વૃદ્ધનું મોત:

મુસળધાર વરસાદના કારણે શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. કુર્લા પશ્ચિમ વિસ્તારમાં આવેલા નૌપાડામાં હિન્દી બીએમસી સ્કૂલ નજીક બપોરે અંદાજે ૧૨:૪૦ વાગ્યે એક વિશાળ વૃક્ષ બાજુની દુકાન પર તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં ૬૩ વર્ષીય વૃદ્ધ યુનુસ કુંડાવાલા કાટમાળ નીચે દબાઈ ગયા હતા. તેમને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢી તાત્કાલિક ફૌઝિયા હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, હજુ ગત ૩૦ જૂનના રોજ ચેમ્બુરમાં ચાલુ સ્કૂલ બસ પર વૃક્ષ પડતાં ૧૧ વર્ષના બાળકનું મોત થયું હતું, તે દુર્ઘટનાના એક અઠવાડિયાની અંદર જ આ બીજી મોટી ઘટના સામે આવી છે.

 

મુકેશ અંબાણીના સુરક્ષા કાફલા સામે જ વૃક્ષ ધરાશાયી થયું:

ભારે પવનના કારણે બાંદ્રા વિસ્તારમાં સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થયા છે, જેમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સુરક્ષા કાફલા (Security Convoy) ની બિલકુલ સામે જ એક મોટું વૃક્ષ અચાનક ધરાશાયી થતું જોવા મળ્યું હતું. આ ઘટનાના કારણે અંબાણીના સિક્યોરિટી કાફલાના વાહનો થોડીવાર માટે અટકી ગયા હતા અને વાહનવ્યવહાર ખોરવાયો હતો, જોકે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.

 

એરપોર્ટ પર ફ્લાઈટ્સ પ્રભાવિત, વિઝિબિલિટી ઘટી:

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૦ મીમીથી વધુ અને કેટલાક વિસ્તારોમાં ૩૦૦ મીમી જેટલો રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. આ આકાશી આફતના કારણે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સવારે ભારે પવન અને લો-વિઝિબિલિટીના કારણે રનવે ૧ કલાક માટે બંધ રાખવો પડ્યો હતો. ખરાબ હવામાનના કારણે ઈન્ડિગોની ૪ ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી અને અન્ય એરલાઈન્સની ૧૩ ફ્લાઈટ્સને નજીકના એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી, જે બાદમાં સ્થિતિ સુધરતા પરત ફરી હતી. હવામાન વિભાગ દ્વારા હજુ પણ મુંબઈ માટે 'રેડ એલર્ટ' યથાવત રાખવામાં આવ્યું છે.

(11:05 PM IST)