<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

કચ્છના દરિયામાં ૩૮૪ કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ૬ પાકિસ્તાનીઓને ૨૦ વર્ષની સખત કેદ : ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

જખૌના દરિયામાં ATS અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાયેલ ‘અલ હુસેની’ બોટના આરોપીઓને ૨ લાખનો દંડ : નશીલા પદાર્થોના વેપારને દેશની સુરક્ષા માટે ગંભીર ગણાવતી અદાલત

 

વિનોદ ગાલા દ્વારા, ભુજ: કચ્છના દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાના નશીલા પદાર્થો ઘુસાડવાના આંતરરાષ્ટ્રીય રેકેટ મામલે ભુજની અદાલતે એક મહત્વપૂર્ણ અને કડક ચુકાદો સંભળાવ્યો છે. ડિસેમ્બર ૨૦૨૧માં ૩૮૪ કરોડના હેરોઈન સાથે ઝડપાયેલા ૬ પાકિસ્તાની નાગરિકોને ભુજની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા અને પ્રત્યેકને ૨ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

 

સમગ્ર ઓપરેશનની વિગત:

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) ને વિશ્વસનીય બાતમી મળી હતી કે પાકિસ્તાનના કરાંચી બંદરથી “અલ હુસેની” નામની બોટ મારફતે હેરોઈનનો મોટો જથ્થો જખૌ દરિયાકાંઠા નજીક ભારતની સરહદમાં ઘુસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ બાતમીના આધારે ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ૧૮ થી ૨૦ ડિસેમ્બર ૨૦૨૧ દરમિયાન અરબી સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સતત વોચ દરમિયાન એક શંકાસ્પદ બોટ રડારમાં દેખાતા તેને આંતરીને તપાસ કરવામાં આવી હતી.

 

૭૭ કિલો હેરોઈન અને ધરપકડ:

તપાસ દરમિયાન બોટમાંથી ૬ પાકિસ્તાની નાગરિકો મળી આવ્યા હતા. બોટની સઘન તલાશી લેતા પાંચ થેલામાંથી કુલ ૭૬.૯૩૬ કિલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ૩૮૪.૬૮ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. આ મામલે ATS પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

 

કોર્ટની કાર્યવાહી અને ચુકાદો:

આ કેસ ભુજ સ્થિત વિશેષ એનડીપીએસ કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો. પ્રોસિક્યુશન પક્ષ દ્વારા ૨૦૩ દસ્તાવેજી પુરાવા અને ૧૩ મહત્વના સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ ધારદાર દલીલો રજૂ કરી હતી.

 

પુરાવાઓ અને દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર છઠ્ઠા અધિક સેશન્સ અને સ્પેશિયલ એનડીપીએસ જજ વી.એ. બુધ્ધએ આ ગુનાને ગંભીર ગણાવ્યો હતો. અદાલતે નોંધ્યું હતું કે નશીલા પદાર્થોનો વ્યાપાર દેશની આંતરિક સુરક્ષા અને યુવા પેઢીના ભવિષ્ય પર ઘાતક અસર કરે છે. આથી તમામ ૬ પાકિસ્તાની આરોપીઓને દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી સમાજમાં કડક સંદેશ આપ્યો છે. આ ચુકાદાથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(6:04 PM IST)