News of Saturday, 2nd May 2026
કાંકેરમાં નક્સલી આઈઈડી (IED) વિસ્ફોટમાં 4 જવાન શહીદ
કાંકેર-નારાયણપુર સરહદે નક્સલીઓએ બિછાવેલી મોતના જાળમાં ફસાયા સુરક્ષા દળો : ડિ-માઇનિંગ ઓપરેશન દરમિયાન થયેલા પ્રચંડ ધડાકાએ છત્તીસગઢને ધ્રુજાવ્યું

રાયપુર: છત્તીસગઢના કાંકેર-નારાયણપુર સરહદી વિસ્તારમાં નક્સલીઓએ બિછાવેલા લેન્ડમાઈન વિસ્ફોટમાં ચાર બહાદુર જવાનોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના છોટેબેઠિયાના ગાઢ જંગલોમાં બની હતી, જ્યાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ ની ટીમ નક્સલીઓ દ્વારા છુપાવવામાં આવેલા આઈઈડી ને નિષ્ક્રિય કરવા માટે શોધખોળ કરી રહી હતી. ઓપરેશન દરમિયાન એકાએક થયેલો વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ કિલોમીટરો સુધી સંભળાયો હતો. આ દુર્ઘટનામાં ઇન્સ્પેક્ટર સુખરામ વટ્ટી, કોન્સ્ટેબલ કૃષ્ણા કોમરા અને સંજય ગડપાલે ઘટનાસ્થળે જ શહીદ થયા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ પરમાનંદ કોમરાએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જવાનોનું સમર્પણ અને બલિદાન વ્યર્થ નહીં જાય. બસ્તરના આઈજી પી. સુંદરરાજના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળો હુમલાનો શિકાર નથી બન્યા પરંતુ જનતાની સુરક્ષા માટે નક્સલીઓના છુપાયેલા વિસ્ફોટકોને શોધી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટના બાદ સમગ્ર બસ્તર પટ્ટીમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને જંગલોમાં સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેથી અન્ય જીવતા બોમ્બને શોધી શકાય.
નક્સલવાદીઓ દ્વારા જંગલોમાં બિછાવવામાં આવેલા આ 'ડેથ ટ્રેપ' (મોતના ફાંદા) સુરક્ષા દળો માટે હંમેશા મોટો પડકાર રહ્યા છે. જોકે આ હુમલો સીધો નહોતો, પરંતુ નક્સલીઓએ જે રીતે જંગલોમાં વિસ્ફોટકોનો ખડકલો કર્યો છે તે તેમની આતંકી માનસિકતા સ્પષ્ટ કરે છે. સરકાર અને સુરક્ષા દળો હવે વધુ તીવ્રતા સાથે આ વિસ્તારોને નક્સલમુક્ત કરવા માટે રણનીતિ ઘડી રહ્યા છે. શહીદ જવાનોના પરિવારો પ્રત્યે આખો દેશ સંવેદના વ્યક્ત કરી રહ્યો છે, જેમણે રસ્તાઓ અને જંગલોને સુરક્ષિત રાખવા માટે પોતાનું લોહી રેડ્યું છે.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
