<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

કપૂર પરિવારમાં ₹30,000 કરોડનું 'રિયલ લાઈફ મહાભારત': સુપ્રીમ કોર્ટ પણ દંગ, મધ્યસ્થી માટે પૂર્વ CJI મેદાને

ઉદ્યોગપતિ સંજય કપૂરના નિધન બાદ સંપત્તિ માટે લોહીના સગપણમાં તિરાડ: બનાવટી દસ્તાવેજોના આક્ષેપો અને કરિશ્મા કપૂરના બાળકોના સવાલોએ કાનૂની જંગને બનાવ્યો રોમાંચક

નવી દિલ્હી:  દેશના પ્રતિષ્ઠિત વ્યાપારી ઘરાના કપૂર પરિવારમાં શરૂ થયેલો ₹30,000 કરોડની સંપત્તિનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટના ઉંબરે પહોંચ્યો છે. આ કેસની ગંભીરતા અને પરિવારના સભ્યો વચ્ચેની કડવાશ જોઈને જસ્ટિસ જે.બી. પારડીવાલાએ ટિપ્પણી કરી હતી કે, "અમે એવા ક્ષેત્રમાં પ્રવેશ્યા છીએ જ્યાં હવે મહાભારત પણ નાનું લાગશે." આ વિવાદનું કેન્દ્ર સોના ગ્રુપના સ્થાપક સ્વર્ગસ્થ સુરિન્દર કપૂરની અધધ સંપત્તિ છે. રાની કપૂરે આરોપ લગાવ્યો છે કે તેમના પુત્ર સંજય કપૂર અને પુત્રવધૂ પ્રિયા સચદેવે બનાવટી દસ્તાવેજો બનાવીને 'આરકે ફેમિલી ટ્રસ્ટ'માં સંપત્તિ ટ્રાન્સફર કરી દીધી છે, જેનાથી કાયદાકીય ભૂકંપ સર્જાયો છે.

આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર અને સંજય કપૂરના બાળકો, સમીરા અને કિયાન પણ મેદાને ઉતર્યા. સંજય કપૂરનું જૂન 2025માં ઇંગ્લેન્ડમાં પોલો મેચ દરમિયાન આકસ્મિક નિધન થયું હતું, ત્યારબાદ તેમની ત્રીજી પત્ની પ્રિયા સચદેવે એક વસિયતનામું રજૂ કર્યું હતું. આ વસિયતનામાની સત્યતા પર કરિશ્માના બાળકોએ દિલ્હી હાઈકોર્ટમાં સવાલ ઉઠાવ્યા છે કે પિતાના અવસાન બાદ જ આ દસ્તાવેજ કેમ બહાર આવ્યો? સંપત્તિની આ લડાઈ હવે માત્ર રુપિયા પૂરતી સીમિત નથી રહી પરંતુ તેમાં છેતરપિંડી અને સત્તાના સંઘર્ષના ગંભીર આરોપો પણ જોડાયા છે.

પરિસ્થિતિની નાજુકતાને જોતા સુપ્રીમ કોર્ટે આ મામલાને મનોરંજનનું સાધન ન બનાવવા અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય. ચંદ્રચુડને મધ્યસ્થી તરીકે નિયુક્ત કર્યા છે. કોર્ટે પક્ષકારોને સોશિયલ મીડિયા પર નિવેદનબાજી કરવાથી દૂર રહેવાની સલાહ આપી છે. એક તરફ રાની કપૂર 10,000 કરોડની સંપત્તિ પર અલગથી દાવો માંડી રહ્યા છે, ત્યારે બીજી તરફ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ફેરફાર કરવાની હિલચાલ પણ તેજ બની છે. આ કેસ આવનારા સમયમાં ભારતીય કોર્પોરેટ જગતની સૌથી મોટી કાનૂની લડાઈ સાબિત થઈ શકે છે.

(6:52 PM IST)