<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

સરકારના ૨૦૦ અધિકારીઓ અમારા સંપર્કમાં

ED, CBI, વિદેશ મંત્રાલય અને ૫૦% પોલીસ પણ આપણી સાથે હોવાનો સ્‍ફોટક દાવોઃ રાહુલ ગાંધીના કેન્‍દ્ર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહાર : વિપક્ષ હવે સુપ્રીમમાં અરજી દાખલ કરશેઃ દિલ્‍હીને કિલ્લામાં ફેરવીને વિરોધ પ્રદર્શનો દબાવવાના આરોપ

નવી દિલ્‍હી, તા.૧૨: ચૂંટણી પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ, મતદાર યાદીમાં ગડબડ અને મુખ્‍ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સોમવારે યોજેલી પ્રેસ કોન્‍ફરન્‍સમાં કેન્‍દ્ર સરકાર સામે ભારે સણસણતા આરોપો લગાવ્‍યા છે. રાહુલ ગાંધીએ સફેદા દાવો કર્યો હતો કે, મોદી સરકારના ED, CBI, વિદેશ મંત્રાલય સહિતના અલગ-અલગ વિભાગોના આશરે ૨૦૦ જેટલા સરકારી અધિકારીઓ વિપક્ષના સીધા સંપર્કમાં છે અને તેમને અંદરની તમામ વિગતો તથા માહિતી પૂરી પાડી રહ્યા છે. સત્‍ય આપણી સાથે છે તેમ કહી તેમણે સ્‍પષ્ટ સંકેત આપ્‍યા હતા કે વિપક્ષ આ લડાઈને હવે સુપ્રીમ કોર્ટ સુધી લઈ જશે.

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્‍યો હતો કે, કેન્‍દ્ર સરકાર મુખ્‍ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો બચાવ કરી રહી છે અને તેથી જ વિરોધ પ્રદર્શન કરવા માટે દિલ્‍હી આવી રહેલા લોકોને રોકવામાં આવી રહ્યા છે. ટ્રેનો અને બસોની અવરજવર અટકાવીને આખી દિલ્‍હીને કિલ્લામાં ફેરવી દેવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે દિલ્‍હી પોલીસ, સીઆરપીએફ અને આઈટીબીપી ના જવાનો તથા લગભગ ૫૦ ટકા પોલીસ કર્મચારીઓ પણ સરકારના આ કડક વલણ અને યુવાનો પર થઈ રહેલી કાર્યવાહીથી નારાજ છે અને મનોમન વિપક્ષના આ વિરોધને સમર્થન આપી રહ્યા છે.

રાહુલ ગાંધીએ વિગતો આપતા જણાવ્‍યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતાઓ અને લોકશાહીની નિષ્‍પક્ષતા અંગે તેમણે અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મુખ્‍ય ન્‍યાયાધીશ સૂર્યકાંતને પત્ર લખીને રૂબરૂ મુલાકાત માટે સમય માંગ્‍યો હતો. સીજેઆઈ તરફથી પ્રત્‍યુત્તર મળ્‍યો છે અને તેમણે આ મામલે યોગ્‍ય કાનૂની અરજી દાખલ કરવા માટે જણાવ્‍યું છે. આથી હવે રાહુલ ગાંધી અને INDIA ગઠબંધનના તમામ સાંસદો એકજૂથ થઈને ચૂંટણી પ્રક્રિયામાં કથિત ગડબડી સામે સુપ્રીમ કોર્ટમાં રીતસરની અરજી દાખલ કરશે.

તેમણે ઉમેર્યું હતું કે જંતર-મંતર જેવા જાહેર સ્‍થળોએ વિપક્ષને વિરોધ કરવાની પરવાનગી આપવામાં આવી રહી નથી. સરકાર રસ્‍તાઓ પર ૨૦ થી ૩૦ હજાર પોલીસ કર્મચારીઓ તૈનાત કરીને વિરોધ પ્રદર્શનોને દબાવવાની મોટી ભૂલ કરી રહી છે, જેથી દેશની જનતા સ્‍પષ્ટ જોઈ શકે કે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી શા માટે મુખ્‍ય ચૂંટણી કમિશનરને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચૂંટણી પંચની નિષ્‍પક્ષતા સામે ઉઠેલા આ પ્રશ્‍નોના જવાબ પંચ અને સરકારે આપવા જ પડશે.

(3:13 PM IST)