<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

૧૪૫- માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી : ચૂંટણી પંચ દ્વારા ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ

૩૦ જુલાઈએ સાંજે ૦૬:૩૦ વાગ્યા સુધી ઍક્ઝિટ પોલ પર રોક : મતદાન પૂરું થવાના ૪૮ કલાક પહેલાં ઓપિનિયન પોલ દર્શાવવા પર પણ સંપૂર્ણ મનાઈ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : ૧૪૫- માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના સંદર્ભમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા પ્રચાર માધ્યમો માટે ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ ના પ્રકાશન તથા પ્રસારણ અંગે મહત્વની માર્ગદર્શક સૂચનાઓ સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર, ગુજરાતમાં તા. ૩૦ જુલાઈ, ૨૦૨૬ ના રોજ સાંજના ૦૬:૩૦ વાગ્યા સુધી ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ રહેશે, જ્યારે મતદાનનો સમય પૂરો થવાના પૂર્વેના ૪૮ કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ કે અન્ય ચૂંટણી સર્વેક્ષણો દર્શાવવા પર પણ સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે.

ચૂંટણી પંચે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૧૨૬(ક) ની પેટાકલમ (૧) થી મળેલી સત્તાનો ઉપયોગ કરી પેટાકલમ (૨) ની જોગવાઈઓ હેઠળ આ નિર્યોણ કર્યો છે. આ જોગવાઈ મુજબ, તા. ૩૦ જુલાઈ, ૨૦૨૬ ને ગુરૂવારના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યાથી સાંજના ૦૬:૩૦ વાગ્યા દરમિયાન કોઈપણ પ્રિન્ટ કે ઈલેક્ટ્રોનિક મીડિયા ‘ઍક્ઝિટ પોલ’ અથવા તેના પરિણામો પ્રકાશિત, પ્રસિદ્ધ કે પ્રસારિત કરી શકશે નહીં. આ ઉપરાંત અન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર-પ્રસાર કરવા પર પણ કડક રોક લગાવવામાં આવી છે. ચૂંટણી પંચની આ જોગવાઈઓ કે નિયમોનો ભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, જેમાં ૨ વર્ષ સુધીની જેલની સજા, દંડ અથવા બંને સજા થઈ શકે છે.

વધુમાં, ચૂંટણી પંચના જાહેરનામા અનુસાર ‘ઓપિનિયન પોલ’ સંદર્ભે જણાવવામાં આવ્યું છે કે, ૧૪૫- માંજલપુર વિધાનસભા મતક્ષેત્રમાં મતદાનનો સમય સમાપ્ત થતો હોય તે પૂર્વેના ૪૮ કલાક દરમિયાન કોઈપણ ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા કોઈ ઓપિનિયન પોલ, એક્ઝિટ પોલ કે અન્ય કોઈ પણ પ્રકારના મતદાન સર્વેક્ષણના પરિણામો અથવા ચૂંટણી સંબંધી સર્વેક્ષણો પ્રદર્શિત કરી શકાશે નહીં.

(4:59 PM IST)