News of Friday, 19th June 2026
હિરોઈન બનવાની ઘેલછામાં પટનાથી નીકળી ગયેલી 13 વર્ષની એક સગીરા ભરૂચ રેલવે સ્ટેશન પરથી મળી
સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે અત્યંત સંવેદનશીલતા દાખવીને પટનાથી આવેલા તેના માતા-પિતા સાથે સગીરાનું ભાવુક મિલન કરાવ્યું:ઘટના બાદ માતા-પિતાએ પોલીસ અને સખી વન સ્ટોપની ટીમનો આભાર વ્યક્ત કર્યો

બિહારના પટનાની રહેવાસી 13 વર્ષની સગીરાને ફિલ્મી દુનિયામાં નામ કમાવવાની અને હિરોઈન બનવાની ઘેલછા લાગી હતી. આ આકર્ષણમાં આવીને તેણે ઘર છોડવાનો નિર્ણય કર્યો હતો. સગીરા પોતાની માતા પાસેથી 500 રૂપિયા લઈને કોઈને કહ્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી. લાંબી મુસાફરી કરીને તે ભરૂચ રેલવે સ્ટેશન પહોંચી હતી. રેલવે સ્ટેશન પર સગીરાની શંકાસ્પદ હાલત જોઈને ભરૂચ રેલવે પોલીસ હરકતમાં આવી હતી.
પોલીસે બાળકીની પૂછપરછ કરતા તેણે પોતાની આપવીતી વર્ણવી હતી. પોલીસ અને સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે બાળકીની સુરક્ષાને પ્રાથમિકતા આપી તેને સુરક્ષિત રીતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સોંપી હતી. અહીં કાઉન્સિલિંગ દરમિયાન સગીરાને સમજાવવામાં આવી હતી અને ત્યારબાદ તેના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે અત્યંત સંવેદનશીલતા દાખવીને પટનાથી આવેલા તેના માતા-પિતા સાથે સગીરાનું ભાવુક મિલન કરાવ્યું હતું. આ ઘટના બાદ માતા-પિતાએ પોલીસ અને સખી વન સ્ટોપની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
બિહારની એક સગીરા મળી આવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા અને ફિલ્મી દુનિયાના આકર્ષણમાં આવીને પટનાની 13 વર્ષીય સગીરા પોતાનું ઘર છોડીને ભાગી નીકળી હતી. સગીરાના આ સાહસ અને ત્યારબાદની તેની સુખદ ઘરવાપસીની આ ઘટના માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
