News of Thursday, 18th June 2026
૨૦૨૪-૨૫માં ગુજરાત-ઉત્તરપ્રદેશ સહિત ૧૩ રાજ્યોએ મહેસૂલી પુરાંત દર્શાવીઃ CAG
ᅠᅠ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં દેશના તમામ ૨૮ રાજ્યોની કુલ આવક રૂ. ૪૦.૫૨ લાખ કરોડ રહી હતી : સ્ટેટ ફાયનાન્સ ૨૦૨૪-૨૫ રિપોર્ટમાં દેશના રાજ્યોની આર્થિક સ્થિતિમાં મોટો તફાવત જોવાયો

નવી દિલ્હી,તા.૧૮: નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલાં ‘સ્ટેટ ફાયનાન્સ ૨૦૨૪-૨૫'ના રિપોર્ટમાં દેશના રાજ્યોની આર્થિક સ્થિતિમાં મોટો તફાવત જોવા મળ્યો છે.
આ અહેવાલ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ઉત્તરપ્રદેશ, ગુજરાત, ઝારખંડ મણિપુર અને અન્ય ૯ રાજ્યોએ મહેસૂલી પુરાંત દર્શાવી હતી, જ્યારે બાકીના ૧૫ રાજ્યોએ ખાધ દર્શાવી હતી.
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા, કે. સંજય મૂર્તિ દ્વારા જારી કરાયેલાં અહેવાલ અનુસાર, સમીક્ષાના સમયગાળા દરમિયાન ૧૮ રાજ્યોએ મહેસૂલી પુરાંતનો, ૩ રાજ્યોએ મહેસૂલી ખાધનો તથા ૭ રાજ્યોએ શૂન્ય મહેસૂલી ખાધનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો હતો.
મહેસૂલી પુરાંતનો લક્ષ્યાંક રાખનાર ૧૮ રાજ્યો પૈકીના ૯ રાજ્યોએ તેમનું લક્ષ્યાંક હાંસલ કર્યું હતું, જ્યારે આસામ, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મિઝોરમ તથા તેલંગાણાએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન મહેસૂલી ખાધ નોંધાવી હતી.
ગોવા, ઝારખંડ, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, ત્રિપુરા તથા ઉત્તરપ્રદેશ એમ કુલ સાત રાજ્યોએ શૂન્ય મહેસૂલી ખાધનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો હતો. આ પૈકી ગોવા, ઝારખંડ, ત્રિપુરા તથા ઉત્તરપ્રદેશ એમ ચાર રાજ્યોએ મહેસૂલી પુરાંત દર્શાવી હતી, જ્યારે પંજાબ, રાજસ્થાન તથા તમિલનાડુએ મહેસૂલી ખાધ નોંધાવી હતી.
૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષ દરમિયાન મહેસૂલી ખાધ નોંધાવનારા ૧૫ રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, મિઝોરમ, પંજાબ તથા પશ્ચિમ બંગાળને નાણાં પંચ દ્વારા મહેસૂલી ખાધની ગ્રાન્ટ ઉપલબ્ધ બનાવાઈ હતી. અહેવાલમાં વધુમાં જણાવ્યાં અનુસાર, નાણાં પંચ દ્વારા ૨૦૨૪-૨૫ માટે નિર્ધારીત કરાયેલાં જીએસડીપીની ૩ ટકાના નાણાકીય ખાધના લક્ષ્યાંકને ધ્યાનમાં લેતાં ૧૮ રાજ્યોએ લક્ષ્યાંક કરતાં બહેતર કામગીરી નોંધાવી હતી.
અહેવાલમાં રાજ્યની વધતી કરની આવકના મહત્વ પર વિશેષ ભાર મુકાયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં દેશના તમામ ૨૮ રાજ્યોની કુલ આવક ?રૂ. ૪૦.૫૨ લાખ કરોડ રહી હતી, જેમાંથી ૫૦ ટકા આવક રાજ્યોએ પોતાના ટેક્સ દ્વારા જ મેળવી છે, જે દર્શાવે છે કે કમાણી માટે રાજ્યોના પોતાના ટેક્સનું મહત્વ સતત વધી રહ્યું છે. રાજ્યોની ટેક્સની કમાણીમાં પણ સૌથી મોટો હિસ્સો સ્ટેટ જીએસટીનો રહ્યો છે, જે કુલ ટેક્સ આવકના ૪૩ ટકાથી વધુ છે
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
