News of Friday, 17th July 2026
વ્હાઇટ હાઉસથી ટ્રમ્પનો મોટો ધડાકો: ચીન પાસે છે કરોડો અમેરિકનોના નામ અને પોલિટિકલ ચોઇસ:CIA એ રિપોર્ટ મારાથી છુપાવ્યો: ડેટા ડીક્લાસિફાય કરવાનો આદેશ
૨૦૨૦ની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા બેઇજિંગે રચ્યું હતું મોટું કાવતરું: અમેરિકન ઇલેક્શન સિસ્ટમને ગણાવી અત્યંત નબળી: ચીની એમ્બેસીનો ઇનકાર

નવી દિલ્હી: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે મોડી રાત્રે રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે ઈન્ટેલિજન્સ દસ્તાવેજોને તાત્કાલિક ધોરણે સાર્વજનિક (Declassify) કરવાની જાહેરાત કરીને સનસનાટી મચાવી દીધી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે, ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (CCP) એ એક સોચી-સમજી વ્યુહરચના હેઠળ ૨૨ કરોડ અમેરિકન નાગરિકોના નામો, સરનામાં, સંપર્ક વિગતો અને તેઓ કઈ રાજકીય પાર્ટીને પસંદ કરે છે તેવો અત્યંત સંવેદનશીલ ડેટા ગેરકાયદેસર રીતે મેળવી લીધો હતો. આ હેકિંગ દ્વારા ચીન ૨૦૧૮ની મિડ-ટર્મ ચૂંટણી અને ૨૦૨૦ની પ્રેસિડેન્શિયલ ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરવા માંગતું હતું જેથી ટ્રમ્પ ફરીથી સત્તા પર ન આવી શકે.
ટ્રમ્પે અમેરિકન ગુપ્તચર એજન્સીઓના કેટલાક અધિકારીઓ અને "ડીપ સ્ટેટ" (Deep State) પર ચીનના કથિત ચૂંટણી હસ્તક્ષેપની માહિતી પ્રમુખ, કોંગ્રેસ અને જનતાથી છુપાવવાનો સનસનાટીપૂર્ણ આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે તેમની રોજિંદી ઇન્ટેલિજન્સ બ્રીફિંગમાંથી પણ ચીન સંબંધિત અહેવાલો દૂર રાખવામાં આવ્યા હતા. ટ્રમ્પના મતે, સીઆઈએ (CIA) અને એફબીઆઈ (FBI) ના અહેવાલો દબાવી દેવાયા હતા, જેમાં ચીન દ્વારા 2020ની ચૂંટણી પ્રભાવિત કરવા અને જો બાઇડેનના પક્ષમાં નકલી કાયદેસર મતપત્રો તૈયાર કરવાના પ્રયાસોનો ઉલ્લેખ હતો. આ સિવાય ચીનની સરકારે ટ્રમ્પ વિરુદ્ધ નેગેટિવ લેખો લખવા માટે અમેરિકન પત્રકારોને નાણાં આપવાની કોશિશ કરી હોવાનો દાવો પણ કરાયો છે.
સંબોધનમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો અને કાઉન્ટિંગ સિસ્ટમ સાયબર હુમલા સામે અસુરક્ષિત હોવાની વાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે રશિયા, ચીન, ઈરાન, ઉત્તર કોરિયા અને વેનેઝુએલાનું માદુરો શાસન અમેરિકન ચૂંટણી માળખાને નિશાન બનાવવાની ક્ષમતા ધરાવે છે. ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવતા તેમણે કેલિફોર્નિયાની ચૂંટણીનું ઉદાહરણ આપ્યું જ્યાં 2 જૂને થયેલા મતદાનની ગણતરી 10 જુલાઈ સુધી ચાલી હતી, જેને તેમણે "ત્રીજી દુનિયાના દેશો કરતાં પણ બદતર" ગણાવી છે.
જનતાનો ભરોસો પુનઃસ્થાપિત કરવા માટે તેમણે દરેક મતદાર માટે નાગરિકતાનું પ્રમાણપત્ર ફરજિયાત કરવાની અને મેલ-ઈન બેલેટ (ડાક દ્વારા વોટિંગ) ને મર્યાદિત કરવાની વકાલાત કરી છે. આ માટે તેમણે નાગરિકોને SAFE America Act વહેલી તકે પસાર કરાવવા માટે પોતાના સાંસદો પર દબાણ લાવવા અપીલ કરી છે. ટ્રમ્પે ODNI, ન્યાય વિભાગ (DOJ), FBI અને CIA ને આ માહિતી છુપાવવા અંગે તપાસના આદેશ આપ્યા છે અને દોષિતો સામે ફોજદારી મુકદ્દમો ચલાવવાની ચીમકી આપી છે.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
