<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

વૈશ્વિક યુદ્ધના એંધાણ? ઈરાને દુનિયાની ‘તેલની નસ’ સમાન હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી: અમેરિકા પર વાયદો તોડ્યાનો ગંભીર આરોપ

વિશ્વ આખામાં તેલના ભાવ ભડકે બળશે? ઈરાનની આકરી કાર્યવાહીથી વોશિંગ્ટનમાં દોડધામ:'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર કડક સૈન્ય પહેરો તૈનાત: ઈરાન અને અમેરિકા વચ્ચે ટકરાવ ચરમસીમાએ

નવી દિલ્હી: મધ્ય પૂર્વના દેશોમાં ફરી એકવાર તણાવનો જ્વાળામુખી ફાટ્યો છે. ઈરાને આજે એક અત્યંત આક્રમક પગલું ભરતા વિશ્વના સૌથી મહત્વના દરિયાઈ માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Hormuz Strait) ને બંધ કરી દેવાની જાહેરાત કરી છે. ઈરાનનો સીધો આક્ષેપ છે કે અમેરિકાએ તેની સાથે કરેલા રાજદ્વારી વાયદાઓ તોડ્યા છે અને પીઠ પાછળ ખંજર ભોંક્યું છે.

ઉલ્લેખનીય છે કે દુનિયાનું ૨૦ ટકાથી વધુ તેલ આ જ સાંકડા દરિયાઈ માર્ગે પસાર થાય છે. જો ઈરાન આ માર્ગ લાંબો સમય બંધ રાખે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી શકે છે. ઈરાની સેનાના 'રિવોલ્યુશનરી ગાર્ડ્સ' એ આ વિસ્તારમાં પોતાની નૌકાઓ અને મિસાઈલ સિસ્ટમ તૈનાત કરી દીધી હોવાના અહેવાલો છે. બીજી તરફ અમેરિકાએ પણ પોતાના નેવીના જહાજોને સતર્ક રહેવા આદેશ આપ્યો છે. આ આંતરરાષ્ટ્રીય ખેંચતાણ હવે યુદ્ધનું રૂપ લેશે કે કેમ તે બાબતે આખા વિશ્વની નજર અત્યારે મધ્ય પૂર્વ પર ટકેલી છે.

ઈરાની પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમેરિકા નાકાબંધી (Blockade) ના બહાના હેઠળ આ વિસ્તારમાં દરિયાઈ ચાંચિયાગીરી અથવા લૂંટફાટ (Piracy) જેવી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. અમેરિકન દળો દ્વારા વારંવાર આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાથી, ઈરાને પોતાની સુરક્ષા અને સાર્વભૌમત્વ જાળવવા માટે આ વ્યૂહાત્મક માર્ગ પર સૈન્ય કંટ્રોલ વધારવાનો નિર્ણય લીધો છે.

હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના કાચા તેલના પુરવઠા માટે કરોડરજ્જુ સમાન છે. ઈરાને અહીં સૈન્ય નિયંત્રણ વધારતા હવે અહીંથી પસાર થતા વેપારી જહાજો અને ઓઈલ ટેન્કરો પર ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ની બાજ નજર રહેશે. જો તણાવ વધશે તો તેલની કિંમતોમાં વૈશ્વિક સ્તરે ઉછાળો જોવા મળી શકે છે.

(5:33 PM IST)