News of Saturday, 23rd May 2026
થાઈલેન્ડ સરકારે આપ્યો મોટો ઝટકો: પ્રવાસીઓ માટેની ૬૦ દિવસની 'વિઝા ફ્રી એન્ટ્રી' પર મૂક્યો પ્રતિબંધ: ટુરિસ્ટોમાં ભારે નિરાશા
ફરવા જવા ઈચ્છતા ભારતીયોના બજેટ અને આયોજન ખોરવાશે: વિઝા નીતિમાં અચાનક કરાયો મોટો ફેરફાર:નિયમો કડક કરી જૂની સિસ્ટમ ફરી લાગુ કરાતા પ્રવાસન ક્ષેત્રે મોટો ગરમાવો

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસીઓના સૌથી મનપસંદ ગણાતા એશિયાઈ દેશ થાઈલેન્ડથી પ્રવાસીઓ માટે એક અત્યંત ચિંતાજનક અને મોટો આંચકો આપતા સમાચાર મળી રહ્યા છે. થાઈલેન્ડ સરકારે પ્રવાસનને વેગ આપવા માટે અગાઉ જાહેર કરેલી ૬૦ દિવસની વિઝા મુક્ત એન્ટ્રીની (Visa-Free Entry) સુવિધાને ઓચિંતી જ પાછી ખેંચી લીધી છે. સરકારના આ આકરા અને અણધાર્યા પગલાના કારણે આગામી દિવસોમાં થાઈલેન્ડના પ્રવાસે જવા ઈચ્છતા લાખો વૈશ્વિક પ્રવાસીઓ અને ખાસ કરીને ભારતીય ટુરિસ્ટોને હવે વિઝા પ્રક્રિયાના કડક નિયમોમાંથી પસાર થવું પડશે.
કોરોના પછી પ્રવાસનને વેગ આપવા થાઈલેન્ડે 60 દિવસની વિઝા-ફ્રી સુવિધા આપી હતી, જેનો ભારતીયોએ ઘણો લાભ લીધો હતો. જોકે, કેટલાક વિદેશી નાગરિકો દ્વારા આ સુવિધાનો દુરુપયોગ કરી ઓવરસ્ટે કરવાના અને ગેરકાયદેસર બિઝનેસ ચલાવવાના કિસ્સા સામે આવ્યા હતા. આથી, સુરક્ષા વધુ ચુસ્ત કરવા અને આવી પ્રવૃત્તિઓ રોકવા થાઈ સરકારે હવે આ કડક પગલું ભર્યું છે.
થાઈ સરકાર હવે જૂના દ્વિપક્ષીય કરારોના આધારે એન્ટ્રી નિયમો નક્કી કરશે, જેથી ભારતીયો માટે વિઝા-ફ્રી સ્ટે 60 દિવસથી ઘટીને ફરી 30 દિવસનો થઈ શકે છે. જોકે, જરૂર પડ્યે થાઈ ઇમિગ્રેશન વિભાગમાંથી જરૂરી ફી અને દસ્તાવેજો દ્વારા વધુ 30 દિવસનું એક્સ્ટેન્શન મેળવી શકાશે. આ માટે વિઝા પોલિસી કમિટી દરેક દેશની સ્થિતિની અલગથી સમીક્ષા કરશે.
થાઈલેન્ડે ઓવરસ્ટે અને ગેરકાયદે બિઝનેસ રોકવા ઇમિગ્રેશન સિસ્ટમને સંપૂર્ણ ડિજિટલ કરી 'Thailand Digital Arrival Card' સિસ્ટમ લાગુ કરી છે. આ પેપરલેસ સિસ્ટમથી પ્રવાસીઓનો તમામ રેકોર્ડ ઓનલાઇન રહેશે, જેથી એરપોર્ટ પર પ્રક્રિયા ઝડપી બનશે અને વારંવાર એન્ટ્રી લેતા લોકોની સરળ ઓળખ થતાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત થશે.
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
