<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

પાકિસ્તાનમાં પોલીસ કાફલા પર આતંકીઓનો ભયાનક હુમલો: અંધાધૂંધ ફાયરિંગમાં DSP સહિત ૧૧ જવાનોના કરૂણ મોત: ૧૨ ઘાયલ

રસ્તા વચ્ચે જ ખાખી વર્દી પર મોતનો વરસાદ વરસતાં લોહીની નદીઓ વહી: સનસનાટીભર્યા હુમલાથી સમગ્ર પંથકના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:પાકિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે ખાડે ગઈ હોય તેમ પોલીસ કાફલા પર અત્યંત સનસનાટીભર્યો અને કાળજું કંપાવી દેનારો ઘાતક હુમલો સામે આવ્યો છે. પેટ્રોલિંગ અથવા ફરજ પર જઈ રહેલા પોલીસના કાફલાને ઘેરી લઈને હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ભીષણ ફાયરિંગ એટલું ઘાતક હતું કે પોલીસ જવાનોને સંભાળવાની પણ તક મળી ન હતી અને એક ઉચ્ચ અધિકારી એટલે કે DSP સહિત કુલ ૧૧ પોલીસ જવાનોના ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યા હતા.

એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ અનુસાર, પોલીસની ટીમ ગેરકાયદે સોનાના ખનન સામે કાર્યવાહી કરવા માટે દરોડો પાડવા જઈ રહી હતી. તે દરમિયાન રસ્તામાં ઘાત લગાવીને બેઠેલા બંદૂકધારીઓએ પોલીસ ટીમ પર અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. કોહાટ પોલીસના પ્રવક્તા મોહમ્મદ નૌમાન જેબે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે હુમલામાં 11 પોલીસકર્મીઓ શહીદ થયા છે અને 12 ઘાયલ થયા છે.

આ હુમલો કોહાટ અને કરક જિલ્લા વચ્ચે આવેલા દરબોકાચ જલંધર બાંદા વિસ્તારમાં થયો હતો. હુમલાખોરોએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યા બાદ તેમના 5 વાહનોને આગ ચાંપી દીધી હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને સુરક્ષાને લઈને ચિંતા ફેલાઈ ગઈ છે. જોકે, હુમલાખોરોની ઓળખ અને તેમની ચોક્કસ સંખ્યા અંગે હજુ સુધી વિગતવાર માહિતી સામે આવી નથી.

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પોલીસ અને સુરક્ષા દળોને નિશાન બનાવીને સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. સુરક્ષા દળો સામેના હુમલાઓમાં સતત વધારો થતાં સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

આર્મ્ડ કોન્ફ્લિક્ટ લોકેશન એન્ડ ઇવેન્ટ ડેટાના આંકડા મુજબ પાકિસ્તાનમાં વર્ષ 2022 પછી આતંકવાદી હુમલાઓમાં ભારે ઉછાળો આવ્યો છે. વર્ષ 2022માં દેશમાં 658 આતંકી હુમલા નોંધાયા હતા, જે વર્ષ 2025માં વધીને 2,425 સુધી પહોંચી ગયા હતા. આમ માત્ર 3 વર્ષના ગાળામાં હુમલાઓની સંખ્યા લગભગ 4 ગણી વધી ગઈ છે, જે દર્શાવે છે કે પાકિસ્તાનની સુરક્ષા સ્થિતિ સતત વણસી રહી છે.

(5:30 PM IST)