News of Tuesday, 2nd June 2026
સોશિયલ મીડિયા કંપનીઓ પર કાયદાનો પ્રચંડ કોરડો: બાળકોના માનસિક સ્વાસ્થ્ય સાથે ખિલવાડ બદલ દિગ્ગજ ટેક કંપનીઓએ ૨૫૬ કરોડ ચૂકવી કેસ રફેદફે કર્યો:કોર્ટના આકરા વલણથી ખળભળાટ
મોબાઈલની લતે ચડેલી પેઢીનું ભવિષ્ય ધૂંધળું બનતા વાલીઓ મેદાનમાં: ટેકનોલોજીના કાળા કારોબાર સામે ઇન્ટરનેશનલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: વળતરની મસમોટી રકમથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ધ્રૂજી ઊઠ્યા

નવી દિલ્હી: દુનિયાભરમાં કરોડો બાળકોને પોતાની માયાવી જાળમાં ફસાવીને ડિપ્રેશન, એન્ઝાઈટી અને એકલતા તરફ ધકેલનારી સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ અને તેની માલિક કંપનીઓ સામે કાયદાકીય સર્જિકલ સ્ટ્રાઈક થઈ છે. સોશિયલ મીડિયાની માઠી અસરોનો ભોગ બનેલા અસંખ્ય બાળકો અને તેમના વાલીઓ દ્વારા અમેરિકા સહિતના પશ્ચિમી દેશોની કોર્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્લાસ-એક્શન લો-સૂટ (સામૂહિક દાવો) દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન અદાલતે ટેક કંપનીઓના અલ્ગોરિધમને બાળકો માટે જોખમી ગણાવતા, આખરે કંપનીઓએ કાનૂની કાર્યવાહીથી બચવા માટે ૨૫૬ કરોડ રૂપિયાનું મસમોટો દંડ અને વળતર ચૂકવવાની કડક સેટલમેન્ટ ડીલ સ્વીકારવી પડી છે.
બ્રેથિટ કાઉન્ટી સ્કૂલ ડિસ્ટ્રિક્ટે આ કંપનીઓ પર આરોપ લગાવ્યો હતો કે તેમના પ્લેટફોર્મ્સ વિદ્યાર્થીઓમાં તણાવ, ઊંઘની અછત અને ભાવનાત્મક પરેશાનીઓ જેવી ગંભીર સમસ્યાઓ વધારી રહ્યા છે. આ કેસ દેશભરમાં દાખલ થયેલા 1200થી વધુ મુકદમાઓમાં એક 'ટેસ્ટ કેસ' તરીકે જોવામાં આવતો હતો.
કઈ કંપની કેટલું ચૂકવશે?
મેટા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ): 90 લાખ ડોલર
સ્નેપ (સ્નેપચેટ): 80 લાખ ડોલર
બાઇટડાન્સ (ટિકટોક): 80 લાખ ડોલર
ગૂગલ (યુટ્યુબ): 20 લાખ ડોલર રોકડ + 9 લાખ ડોલરના ટ્રેનિંગ સોફ્ટવેર
ગૂગલ તેના સોફ્ટવેર લાયસન્સ અને ટ્રેનિંગ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને શીખવાની ક્ષમતા વધારવામાં મદદ કરશે. જોકે, આ સમાધાનનો અર્થ એ નથી કે કંપનીઓએ પોતાની ભૂલ સ્વીકારી છે.
શા માટે આ નિર્ણય મહત્ત્વનો છે?
આ સમાધાન સોશિયલ મીડિયા કંપનીઓ માટે એક મોટી ચેતવણી છે. અગાઉ પણ મેટા અને ગૂગલને તેમના પ્લેટફોર્મ્સની 'લત લગાવતી પ્રકૃતિ' માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. લોસ એન્જલસ અને ન્યૂ મેક્સિકોના કાનૂની નિર્ણયો દર્શાવે છે કે ટેક કંપનીઓ હવે બાળકોની સુરક્ષાને લઈને વધુ જવાબદાર બની રહી છે.
રાજ્ય અને કેન્દ્ર સ્તરે દબાણ
માત્ર એક સ્કૂલ ડિસ્ટ્રિક્ટ જ નહીં, પરંતુ અમેરિકાના 30થી વધુ રાજ્યો પણ મેટા વિરુદ્ધ કાનૂની લડાઈ લડી રહ્યા છે. આગામી સમયમાં જ્યારે આ 1200થી વધુ કેસની સુનાવણી થશે, ત્યારે આ સમાધાન એક મજબૂત આધાર તરીકે કામ કરશે અને અન્ય કંપનીઓ પર પણ સેટલમેન્ટ કરવાનું દબાણ વધારશે.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
