<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

યુઝર્સના આક્રોશ સામે મેટા ઝૂક્યું: ઇન્સ્ટાગ્રામ-ફેસબુક પર પ્રાઇવસી ભંગનો મોટો વિવાદ ઉકેલાયો:હવે યુઝર્સની મંજૂરી વિના ફોટાનો એઆઈ ઉપયોગ પ્રોહિબિટેડ

વૈશ્વિક સ્તરે ડેટા પ્રોટેક્શન એજન્સીઓનું દબાણ: યુઝર્સના એકાઉન્ટ સિક્યોરિટી સેટિંગ્સમાં થશે ફેરફાર: આર્ટિસ્ટ્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સે મનાવ્યો જશ્ન

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નામે યુઝર્સની પ્રાઇવસી સાથે રમત રમી રહેલી કંપનીઓ માટે મેટાનો આ નિર્ણય એક મોટો વળાંક સાબિત થશે. થોડા સમય પહેલાં મેટાએ એક એવું ફીચર ટેસ્ટિંગમાં મૂક્યું હતું, જે યુઝર્સના પ્રોફાઈલ પિક્ચર્સ અને અપલોડ કરેલા ફોટાઓનો આપોઆપ ઉપયોગ કરીને એઆઈ તસવીરો (AI Avatars) બનાવી દેતું હતું. આ ટૂલ સામે દુનિયાભરમાંથી ગંભીર સવાલો ઉઠ્યા હતા, કારણ કે તેનાથી ડીપફેક (Deepfake) અને ઓળખની ચોરી (Identity Theft) નું જોખમ બહુ વધી ગયું હતું.

તાજેતરમાં જ મેટા કંપની દ્વારા લાવવામાં આવેલા આ ફીચર હેઠળ કોઈ પણ વ્યક્તિ ઇન્સ્ટાગ્રામના પબ્લિક એકાઉન્ટને ટેગ કરીને, તે યુઝરના પર્સનલ ફોટોઝનો ઉપયોગ કરીને પોતાની મરજી મુજબની AI ઇમેજ જનરેટ કરી શકતું હતું. આ ફીચર વોટ્સએપ, મેટા AI એપ અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. યુઝર્સની મંજૂરી વિના તેમના ફોટોઝનો AI માટે ઉપયોગ થવાના કારણે ઇન્ટરનેટ પર ભારે હોબાળો મચી ગયો હતો.

આ ફીચર સામે આવ્યા બાદ લાખો યુઝર્સે મેટા કંપનીની આકરી ટીકા કરી હતી અને તેને 'કંપનીની છૂપી ચાલ' ગણાવી હતી. યુઝર્સ અને સાયબર નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી હતી કે આ ફીચરના કારણે પબ્લિક પ્રોફાઇલ ધરાવતા યુઝર્સના ફોટોઝનો ખોટો ઉપયોગ થઈ શકે છે અને તેનાથી અશ્લીલ કે આપત્તિજનક કન્ટેન્ટ પણ બનાવી શકાય છે. જોકે કંપનીએ શરૂઆતમાં માત્ર 18 વર્ષથી ઓછી ઉંમરના અને પ્રાઈવેટ એકાઉન્ટ્સને જ આમાંથી બાકાત રાખ્યા હતા, પરંતુ વિરોધ વધતા હવે આ ફીચર જ પાછું ખેંચી લેવામાં આવ્યું છે.

(5:12 PM IST)