News of Monday, 16th November 2026
વિશ્વભરમાં મહાયુદ્ધ અને મહામંદીના ભણકારા: હોર્મુઝની ખાડીમાં માત્ર ૨૪ કલાકમાં ૬ ઓઈલ જહાજો સળગી કે ડૂબી ગયા હોવાના ઈરાનના સનસનાટીભર્યા દાવાથી સમગ્ર દુનિયાના શ્વાસ અધ્ધર
દરિયામાં આગની વિકરાળ જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટાથી હાહાકાર: વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ ઓઈલ સપ્લાય રૂટ બંધ થવાની દહેશતથી ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થવાની અને ભારત સહિત દુનિયાભરમાં ભયાનક મોંઘવારી ફાટી નીકળવાની આશંકાએ સૌ કોઈના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:મધ્યપૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા તણાવ વચ્ચે એક એવા અત્યંત વિસ્ફોટક અને સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે, જેણે સમગ્ર વિશ્વની ઊંઘ હરામ કરી દીધી છે. વિશ્વના સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક ગણાતા દરિયાઈ માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની ખાડી) માં માત્ર ૨૪ કલાકના ટૂંકા ગાળામાં જ ૬ જેટલા મહાકાય ઓઈલ ટેન્કર જહાજો સળગી ઉઠ્યા હોવાનો અથવા દરિયામાં ગરકાવ થઈ ગયા હોવાનો ઈરાન દ્વારા અત્યંત ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ અમેરિકા, યુરોપ સહિત સમગ્ર દુનિયામાં ભારે ખળભળાટ અને હાહાકાર મચી ગયો છે.
ઇરાની સેનાના જણાવ્યા અનુસાર, આ ટેન્કરો અમેરિકન સૈન્ય અધિકારીઓના માર્ગદર્શન અને ફાઇટર જેટ્સની કવર સુરક્ષા હેઠળ ગેરકાયદે એવા દક્ષિણ માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ટેન્કરોએ પોતાની ઓળખ અને નેવિગેશન સિસ્ટમ બંધ રાખી હતી. વિસ્ફોટ બાદ ટેન્કરોમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં 20 લાખ બેરલ કરતાં વધુ ક્રૂડ ઓઈલ લઈને જઈ રહેલું એક સુપરટેન્કર દરિયામાં ગરકાવ થઈ ગયું હોવાનો પણ દાવો કરાયો છે.
બીજી તરફ, આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓ કે દરિયાઈ સુરક્ષા સંસ્થા (UKMTO) દ્વારા આ ઘટનાઓની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ અગાઉ દાવો કર્યો હતો કે મુખ્ય માર્ગો પરથી માઇન્સ હટાવી લેવાયા છે અને આ વિસ્તાર અમારા નિયંત્રણ હેઠળ છે. ઇરાને જહાજોના નામ કે માલિકીની વિગતો જાહેર ન કરતા આ દાવાઓ અંગે સ્વતંત્ર પુષ્ટિ થવી બાકી છે.
નોંધનીય છે કે હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ ઓઇલ માર્ગોમાંથી એક છે, જ્યાંથી સામાન્ય દિવસોમાં વિશ્વના પાંચમા ભાગનું ઓઈલ અને એલએનજી (LNG) પસાર થાય છે. ફેબ્રુઆરી 2026થી શરૂ થયેલા સંઘર્ષ બાદ ઇરાને આ માર્ગ પર નિયંત્રણો લાદ્યા હતા અને અમેરિકાએ ઇરાની બંદરો પર નાકાબંધી કરી ટેન્કરોને સુરક્ષા આપવાનું શરૂ કર્યું હતું. જો આ દાવા સાચા સાબિત થશે તો દરિયામાં મોટા પાયે ક્રૂડ ઓઈલ ઢોળાવાથી પર્યાવરણીય નુકસાન થશે અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થવાની શક્યતા સેવાઈ રહી છે.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
