News of Friday, 31st July 2026
અમેરિકામાં ભણીને નોકરી કરવા માગતા વિદેશી વિદ્યાર્થીઓને મોટો ઝાટકો: $૧ લાખ સુધીની નવી ફી લાદવાની તૈયારી
ઇમિગ્રેશન અને વર્ક પરમિટ નીતિઓ વધુ કડક બનાવવાની દિશામાં પાસાં ફેંકાયા: ભારતીય અને ગુજ્જુ વિદ્યાર્થીઓ પર સીધી નાણાકીય અસર પડવાની ભીતિ

નવી દિલ્હી: યુએસએમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ ત્યાં જ રોકાઈને નોકરી (વર્ક વિઝા/OPT) મેળવવાની ઈચ્છા ધરાવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે; અમેરિકી પ્રશાસન દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ પર આશરે ૧ લાખ ડૉલર સુધીની વધારાની ફી લાદવાની વિચારણા હાથ ધરવામાં આવી રહી છે; આ નિર્ણયનો મુખ્ય હેતુ સ્થાનિક રોજગારીનું રક્ષણ કરવા અને ઇમિગ્રેશનના નિયમોને વધુ કડક બનાવવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે; જો આ નિયમ અમલમાં મૂકવામાં આવશે, તો અમેરિકામાં અભ્યાસ અર્થે જતા હજારો ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ પર મોટો આર્થિક બોજ આવી પડશે, જેના કારણે વિદેશમાં એજ્યુકેશન અને કરિયર બનાવવાના સ્વપ્ન જુએલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
અમેરિકાની સરકાર આ ફી 'ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ' (OPT) પ્રોગ્રામ હેઠળ લાગુ કરવા જઈ રહી છે. આ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમના સ્ટુડન્ટ વિઝા પર ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી 1 થી 3 વર્ષ સુધી અમેરિકામાં કામ કરવાની મંજૂરી આપે છે. વર્ષ 2024 ના આંકડા મુજબ, લગભગ 4,19,000 વિદેશી વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામ હેઠળ યુએસમાં કામ કરી રહ્યા હતા.
ટ્રમ્પ સરકારના આ નિર્ણયથી વિદેશી વિદ્યાર્થીઓનો અમેરિકા જવાનો ક્રેઝ ઘટી શકે છે. આ પગલાની સીધી અસર યુએસ યુનિવર્સિટીઓની નાણાકીય સ્થિતિ પર પડશે, જે વિદેશી વિદ્યાર્થીઓની ફી પર નિર્ભર છે. આ ઉપરાંત સિલિકોન વેલી અને વોલ સ્ટ્રીટની ટેકનોલોજી અને ફાયનાન્સ કંપનીઓને ટેકનિકલ હોદ્દા માટે યોગ્ય ટેલેન્ટ શોધવામાં ભારે મુશ્કેલી પડશે.
અગાઉ ટ્રમ્પ સરકારે H-1B વિઝા પર $1 લાખની લેવી લગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોસ્ટનની અદાલતે તેના પર રોક લગાવી દીધી હતી. હવે OPT પર આ ફી લાદીને સરકાર તે જ લક્ષ્ય હાસિલ કરવા માંગે છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) માં આ અંગે હજુ ચર્ચા ચાલી રહી છે અને વ્હાઈટ હાઉસની અંતિમ મંજૂરી મળવાની બાકી છે. આ ફી વિદ્યાર્થીઓ પોતે ભરશે કે તેમને નોકરી આપનાર કંપનીઓ, તે હજુ નક્કી થયું નથી.
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
