<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

વૈશ્વિક મહાયુદ્ધના મંડાણ?: રશિયા-યુક્રેન જંગની આગમાં અમેરિકા હોમશે ઘી: ૧૧ કરોડ ડૉલરના ઘાતક શસ્ત્રોની મસમોટી ડીલ ફાઇનલ

યુદ્ધ વિરામના તમામ પ્રયાસો પર પાણી ફર્યું: સુપરપાવર અમેરિકા હથિયારોનો નવો જથ્થો મોકલશે:પુતિનને ખુલ્લી ચેતવણી મળતા રશિયા લાલચોળ: ગ્લોબલ ડિપ્લોમેસીમાં ભારે ખળભળાટ

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા લોહિયાળ જંગને શાંત પાડવાના વૈશ્વિક પ્રયાસો વચ્ચે અમેરિકાએ એક એવો મોટો નિર્ણય લીધો છે જે યુદ્ધની ભયાનકતાને આગામી દિવસોમાં બમણી કરી દેશે. વ્હાઇટ હાઉસ (White House) દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે, યુદ્ધના મેદાનમાં રશિયાને આકરો જવાબ આપવા માટે યુક્રેનિયન સૈન્યને મજબૂત કરવાના હેતુસર અમેરિકા ૧૧ કરોડ ડૉલર (આશરે રૂ. ૯૦૦ કરોડથી વધુ) ની કિંમતના અત્યંત આધુનિક હથિયારો અને મિલિટરી સપોર્ટ પૂરો પાડશે. અમેરિકાના આ આક્રમક વલણથી શાંતિની આશાઓ પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે.
યુક્રેનને ગ્રાઉન્ડ ટુ એરહોક મિસાઇલના ઉપકરણો, સ્પેરપાર્ટ્સ,  લોજિસ્ટિક્સનું પણ વેચાણ કરાશે. અમેરિકાએ જણાવ્યું હતું કે આ વેચાણના કારણે યુક્રેન વર્તમાન અને ભાવિ બંને પ્રકારના આક્રમણોને પહોંચી વળવા માટે સજ્જ થશે.
રશિયન સત્તાવાળાઓએ દાવો કર્યો છે કે યુક્રેને રશિયાએ કબ્જે કરેલા લુહાન્સ્ક વિસ્તાર પર કરેલા ડ્રોન હુમલામાં ડોર્મિટરીમાં રહેતા ચારના મોત થયા છે અને બીજા 39ને ઇજા પહોંચી છે. હજી પણ 18 લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાનું કહેવાય છે.
ક્રેમલિનના પ્રવકતા પેસ્કોવે આ હુમલાની આકરી ટીકા કરી હતી. તેને ગંભીર ગુનો ગણાવ્યો હતો. જો કે યુક્રેનિયન સત્તાવાળાઓએ કોઈ ટિપ્પણી કરી નથી. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેણે 217 યુક્રેનિયન ડ્રોન આંતર્યા છે, આ ડ્રોન રશિયાના અનેક વિસ્તારો પર હુમલો કરવા આવ્યા હતા. તેમા મોસ્કો વિસ્તાર અને સેન્ટ પિટર્સબર્ગનો પણ સમાવેશ થાય છે.
આ મહિનામાં ચોથી વખત યુક્રેને યારોસ્લાવલ ઓઇલ રીફાઇનરી પર હુમલો કર્યો હતો. આ રીફાઇનરી સરહદથી 700 કિલોમીટર અંદર આવેલી છે. યુક્રેન રશિયાના ક્રૂડ ઓઇલથી થતા વેચાણથી થતું યુદ્ધનું ફંડિગ રોકવા સતત તેના ઓઇલ પ્લાન્ટ પર હુમલા કરી રહ્યું છે.

 

(5:44 PM IST)