<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

૧૯૭૧ના યુદ્ધમાં 'PNS ગાઝી'ના જળસમાધિ બાદ પાકિસ્તાન ફરી બંગાળની ખાડીમાં સબમરીન મોકલવાની ફિરાકમાં: હિન્દ મહાસાગરમાં ચીનની શેહ પર પાકિસ્તાનનો નવો પેંતરો:ભારતીય નૌકાસેના હાઈ એલર્ટ પર

ભારતીય નેવીની પૂર્વ કમાન્ડ પૂરી તાકાત સાથે સજ્જ: સબમરીન કિલર એરક્રાફ્ટ અને તોતિંગ વોરશિપ તહેનાત: દરિયાના પેટાળમાં પાકિસ્તાનની કોઈપણ નાપાક હરકતને જડબાતોડ જવાબ આપવા હિન્દુસ્તાન સક્ષમ

નવી દિલ્હી: ભારતની પૂર્વ દરિયાઈ સરહદ અને બંગાળની ખાડીમાં ડિફેન્સ સેક્ટરને હચમચાવી મૂકે તેવા અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક સમાચાર પ્રકાશમાં આવતા સૈન્ય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે. મળતી બિલકુલ પાકી સત્તાવાર સંરક્ષણ વિગતો મુજબ, ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધમાં પાકિસ્તાની સબમરીન ગાઝીના ધજાગરા ઉડી ગયા બાદ, પાકિસ્તાન ઈતિહાસમાં પહેલીવાર બંગાળની ખાડીમાં (Bay of Bengal) પોતાની અત્યાધુનિક સબમરીન તહેનાત કરવાનું મોટું આયોજન કરી રહ્યું છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, પાકિસ્તાન આ હરકત ચીનના ઈશારે અને ભારત પર દબાણ લાવવા માટે કરી રહ્યું છે. જોકે, ભારતીય નૌકાસેના (Indian Navy) એ આ વિસ્તારમાં પોતાની પકડ મજબૂત કરી દીધી છે. ભારતે સમુદ્રની અંદર નજર રાખવા માટે પીએચ-૮આઈ (P-8I) દરિયાઈ પેટ્રોલિંગ વિમાનો અને સ્વદેશી પરમાણુ સબમરીનોને એલર્ટ મોડ પર મૂકી દીધી છે, જે દુશ્મનની સબમરીનને સરહદમાં ઘૂસતા પહેલા જ ટ્રેક કરી લેશે હોવાનું અકિલના ડિફેન્સ એફેર્સ ડેસ્ક રિપોર્ટમાં બહાર આવ્યું છે.
પાકિસ્તાનની યોજના પોતાના નૌસેનાના કાફલામાં આવી કુલ આઠ 'હંગોર-ક્લાસ' સબમરીન સામેલ કરવાની છે, જેથી તે પોતાની જૂની 'અગોસ્ટા' સબમરીનને બદલી શકે. ચીન દ્વારા નિર્મિત આ સબમરીનને એર-ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન(AIP) ટૅક્નોલૉજીથી સજ્જ કરવામાં આવશે. આ ખાસ ટૅક્નોલૉજીના કારણે તે સામાન્ય સબમરીનની સરખામણીએ પાણીની અંદર ખૂબ લાંબો સમય સુધી રહી શકે છે અને તેને રડાર પર ટ્રેક કરવી અત્યંત મુશ્કેલ બની જાય છે.પાકિસ્તાન માટે આ 'હંગોર' નામનો એક મોટો ઐતિહાસિક અને પ્રતીકાત્મક અર્થ છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અસલી 'પીએનએસ હંગોર' સબમરીનએ અરબ સાગરમાં ભારતીય યુદ્ધ જહાજ 'આઇએનએસ ખુખરી'ને ડૂબાડી દીધું હતું. આઝાદી પછી યુદ્ધના સમયે ભારતીય નૌસેનાનું કોઈ યુદ્ધ જહાજ ડૂબવાની આ પ્રથમ ઘટના હતી. જોકે, આ હુમલાથી 1971ના યુદ્ધના પરિણામ પર કોઈ ખાસ અસર પડી નહોતી. ભારતીય સેનાએ પાકિસ્તાનને કારમી હાર આપીને તેના બે ટુકડા કરી દીધા હતા અને બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું હતું.મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાની નૌસેનાના કમોડોર ઉમર ફારુકે શ્રીલંકામાં એક કાર્યક્રમ દરમિયાન આ નવી સબમરીનને 'ગેમ ચેન્જર' ગણાવી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે આનાથી પાકિસ્તાનને બંગાળની ખાડી સુધી પોતાની પહોંચ બનાવવામાં મદદ મળશે. પાકિસ્તાનની આ મહત્ત્વાકાંક્ષા એવા સમયે સામે આવી છે જ્યારે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં મોટો બદલાવ આવ્યો છે.

 

(5:25 PM IST)