<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

સમુદ્રમાં ‘તરતું આખું શહેર’ ઉતાર્યું: અમેરિકાએ ૯૦ યુદ્ધ વિમાનો સાથેનું કેરિયર હોર્મુઝમાં ખડકી દીધું: ઈરાનની જળસીમા પર હથિયારોનો ખડકલો

યુદ્ધના ભણકારા: ‘જો પંગો લેશો તો ભસ્મીભૂત થઈ જશો’—અમેરિકાની ઈરાનને ખુલ્લી ચેતવણી: ૯૦ ફાઈટર જેટ્સ, હજારો સૈનિકો અને પરમાણુ મિસાઈલોથી સજ્જ જહાજ હોર્મુઝની ખાડીમાં ગોઠવાયું: મધ્ય પૂર્વમાં કોઈપણ ક્ષણે ‘મહાજંગ’ ફાટી નીકળવાની દહેશત: ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થવાના સંકેત

નવી દિલ્હી: મધ્ય પૂર્વના દરિયાકાંઠે અત્યારે બારૂદની ગંધ પ્રસરી રહી છે. અમેરિકાએ પોતાની શક્તિનું પ્રદર્શન કરતા વિશ્વના સૌથી શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર્સ પૈકીના એકને ૯૦ અત્યાધુનિક યુદ્ધ વિમાનો (F-35 અને F-18) સાથે હોર્મુઝની ખાડીમાં તૈનાત કરી દીધું છે. આ જહાજની તૈનાતી પાછળનો મુખ્ય હેતુ ઈરાન દ્વારા કરવામાં આવતી તેલના ટેન્કરોની નાકાબંધી તોડવાનો અને તેહરાનને તેની હદમાં રાખવાનો છે.

પેન્ટાગોન ખાતે અમેરિકાના સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે જણાવ્યું હતું કે ઇરાનને અમેરિકાની ઘેરાબંધી ચાલુ રહેશે. આ ઘેરાબંધી ઇરાન જ્યાં સુધી વિશ્વ માટે જોખમ હશે ત્યાં સુધી ચાલુ રહેશે. અમેરિકન લશ્કરનો દાવો છે કે આ ઘેરાબંધીના લીધે કુલ ૩૪ જહાજોને પરત વાળવામાં આવ્યા છે, પરંતુ શિપ ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે ઇરાન આમ છતાં પણ અમેરિકન ઘેરાબંધીને ચાતરી જવામાં સફળ રહ્યુ છે. ૧૩ એપ્રિલના રોજ ઘેરાબંધી શરુ કરવામાં આવ્યા પછી ઇરાનિયન કાર્ગો સાથેના કુલ ૧૧ ટેન્કરો અમેરિકન લશ્કરને થાપ આપીને પસાર થઈ ગયા છે.ઇરાનીયનોએ બનાવટી ટ્રેકિંગ ડેટા જારી કરીને અને પછી પાકિસ્તાની દરિયાઈ સરહદમાં ઘૂસી જઈને નિકાસ કરવાનું જારી રાખ્યું છે. 

ઇરાનના ટોચના અધિકારી વિદેશ પ્રધાન પાકિસ્તાન ગયા છે. અહીં તે પાકિસ્તાની અધિકારીઓ સાથે મળીને અમેરિકા અને ઇરાન એક જ ટેબલ પર મંત્રણા માટે આવે તે માટે પ્રયત્ન કરશે. તે પાકિસ્તાન આવ્યા પછી ઓમાન અને રશિયા જાય તેમ માનવામાં આવે છે.

પાકે. ખાડી યુદ્ધનો અંત લાવવા માટેના તેના રાજદ્વારી પ્રયત્નો વધુ વેગવંતા બનાવ્યા છે. અરાઘાચી સાથે પાક.ના વિદેશપ્રધાન ઇશાક દાર અને પાક.ના ફિલ્ડ માર્શલ અસીમ મુનિરે વાત કરી હતી. પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષોએ વર્તમાન સ્થિતિ અંગે તેમના મંતવ્યોની આપલે કરી હતી. તેની સાથે યુદ્ધવિરામ લંબાવવા અને કાયમી શાંતિ સ્થાપવા રાજદ્વારી પ્રયત્નો ચાલુ રાખવા પર ભાર મૂક્યો હતો. 

(4:53 PM IST)