News of Thursday, 24th September 2026
માત્ર પાંચ વર્ષની વયે બાળકી બની યોગગુરુઃ ગિનેસ બુકમાં નોંધાયું નામ
અમેરિકાની ફીનિક્સ જિસેલ હિક્સ માત્ર ૫ વર્ષ ૩૩૭ દિવસની ઉંમરે વિશ્વની સૌથી નાની વયની મહિલા યોગ-ટ્રેઇનર બનીઃ તેણે ૨૦૦ કલાકની તાલીમ પૂર્ણ કરી અને હવે હ્યુસ્ટનમાં બાળકો તથા વડીલોને યોગ શીખવે છે

હ્યુસ્ટન તા.૨૪: મોટા ભાગનાં બાળકો પાંચ વર્ષની ઉંમરે રમકડાંથી રમતાં હોય છે કે સ્કૂલમાં જતી વખતે રડતાં હોય છે, પરંતુ અમેરિકાની એક બાળકીએ આ કુમળી વયે એવી કમાલ કરી બતાવી છે કે સમગ્ર વિશ્વ તેની પ્રતિભા જોઈને દંગ રહી ગયું છે. અમેરિકાની ફીનિક્સ જિસેલ હિક્સ નામની બાળકી માત્ર પાંચ વર્ષ ૩૩૭ દિવસની ઉંમરે વિશ્વની સૌથી નાની વયની મહિલા યોગ-ટ્રેઇનર બની ગઈ છે.
ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સે એના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર આ નાની યોગગુરુનો વિડિયો શેર કર્યો છે, જેમાં તે વડીલો અને બાળકોને નોન-સ્ટોપ યોગાસન શીખવતી જોવા મળે છે. તેનું નામ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સની ૨૦૨૭ની આવૃત્તિમાં સામેલ કરવામાં આવ્યું છે.
ફીનિક્સની યોગ પ્રત્યેની રુચિ જન્મના થોડા જ મહિનાઓમાં શરૂ થઈ ગઈ હતી. તે માંડ ૩ મહિનાની હતી ત્યારે તેણે તેની માતા સિડની હિક્સ સાથે ક્લાસમાં જવાનું શરૂ કર્યું હતું. ધીમે-ધીમે યોગ તેના જીવનનો મુખ્ય ભાગ બની ગયા. યોગટીચર બનવા માટે ફીનિક્સે ૨૦૦ કલાકનો પ્રોફેશનલ ટ્રેઇનિંગ કોર્સ પૂરો કર્યો છે. તેણે મોટા લોકોને પણ અઘરાં લાગે એવાં શરીર રચનાશાષાનાં પુસ્તકો વાંચ્યાં, પરીક્ષાઓ આપી અને ટીચિગ પ્રેક્ટિસના કલાકો સફળતાપૂર્વક પૂરા કર્યા. આ સમગ્ર બેચમાં તે એકમાત્ર નાની બાળકી હતી.
હાલ ફીનિક્સ તેની માતા સાથે અમેરિકાના હ્યુસ્ટન (ટેક્સસ) શહેરમાં બાળકો અને વડીલોને યોગ શીખવે છે. તેનું સૌથી મનપસંદ આસન વૃક્ષાસન છે, કારણ કે એમાં સંતુલન જાળવવું પડકારજનક અને મનોરંજક લાગે છે. તે બાળકોને શીખવે છે કે જ્યારે પણ ગુસ્સો કે ચિતા થાય ત્યારે ઊંડા શ્વાસ લેવા જોઈએ, જેથી મન શાંત રહે અને એનર્જી જળવાઈ રહે.
યોગ ઉપરાંત આ બાળકી બે વર્ષની ઉંમરથી બેલે ડાન્સ અને ૩ વર્ષની ઉંમરથી પિયાનો વગાડી રહી છે. તેને રોબોટિક્સ અને સાયન્સમાં પણ ભારે રસ છે. ભવિષ્યમાં અવકાશયાત્રી બનવાની ઇચ્છા ધરાવતી ફીનિક્સનું સપનું છે કે તે મોટી થઈને અવકાશમાં જઈને યોગ કરનારી દુનિયાની સૌપ્રથમ વ્યક્તિ બને. આ ટેલન્ટેડ બાળકીનો અંદાજ હાલ સોશ્યલ મીડિયા પર લાખો લોકોનું દિલ જીતી રહ્યો છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
