તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th August 2026
યુક્રેનનો રશિયા પર ભયાનક જવાબી પ્રહાર: ૧૨૦૦ કિલોમીટર અંદર ઘૂસીને ઓઇલ રિફાઇનરી પર ડ્રોન હુમલો:૧૨ લોકોના મોત અને ૩૯ ઈજાગ્રસ્ત
સીમાપાર ભીષણ વિસ્ફોટથી સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઊઠ્યો: ઓઇલ પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ કાળમુખી આગ ફાટી નીકળી: યુદ્ધ વધુ હિંસક બનતાં વૈશ્વિક સ્તરે સન્નાટો

નવી દિલ્હી :રશિયા-યુક્રેન યુદ્ધમાં વધુ એક ભયાનક અને સનસનાટીભર્યો વળાંક આવ્યો છે. યુક્રેની સેનાએ રશિયન સરહદની અંદર પૂરા ૧૨૦૦ કિલોમીટર દૂર આવેલા અત્યંત મહત્વપૂર્ણ ઓઇલ સેન્ટર (રિફાઇનરી) પર સચોટ ડ્રોન હુમલો કરીને ભારે તારાજી સર્જી દીધી છે. આ ભીષણ હુમલામાં ૧૨ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ૩૯ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
નિઝનેકામસ્ક શહેર રશિયાનું એક અત્યંત મહત્વપૂર્ણ તેલ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ કેન્દ્ર માનવામાં આવે છે. આશરે 2.40 લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં રશિયાની સૌથી એડવાન્સ 'ટાટનેફ્ટની ટેનકો રિફાઇનરી' (Tatneft's Taneco refinery) સહિત બે મોટી તેલ રિફાઇનરીઓ અને એક પેટ્રોકેમિકલ પ્લાન્ટ આવેલો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં રિફાઇનરી ક્ષેત્રમાંથી કાળા ધુમાડાના ગોટા ઉડતા જોઈ શકાય છે. તાતારસ્થાનના વડા રુસ્તમ મિન્નિખાનોવે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી યુક્રેને રશિયાના તેલ મથકો પર સતત લોંગ-રેન્જ ડ્રોન હુમલા કરવાની વ્યૂહરચના અપનાવી છે. આ હુમલાઓનો મુખ્ય હેતુ રશિયાની ઓઇલ રિફાઇનિંગ ક્ષમતાને નુકસાન પહોંચાડીને દેશમાં ઇંધણની તંગી ઊભી કરવાનો અને રશિયન જનતામાં અસંતોષ વધારવાનો છે. યુક્રેની પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ હુમલાઓને સંપૂર્ણ વ્યાજબી ગણાવતા કહ્યું કે, "દરેક રશિયન હુમલાનો જડબાતોડ જવાબ અપાશે અને રશિયાએ પોતાના જ ઘરમાં યુદ્ધની ભયાનકતાનો અનુભવ કરવો પડશે." હવે યુક્રેનના સ્વદેશી ડ્રોન સીમાથી 2000 કિમી દૂર સાઇબિરીયા સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.
સામે પક્ષે રશિયા પણ યુક્રેન પર મિસાઇલ, ગ્લાઇડ બોમ્બ અને ડ્રોન વડે સતત હુમલા કરી રહ્યું છે. રશિયન સંરક્ષણ મંત્રાલયનો દાવો છે કે તેમણે રાતોરાત 16 વિસ્તારો અને ક્રિમિયા તરફ આવી રહેલા 450 થી વધુ યુક્રેની ડ્રોનને પાડી પાડ્યા છે. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ જણાવ્યું કે યુક્રેનના મધ્ય દ્નિપ્રો ક્ષેત્રમાં તેમની એક ઇમરજન્સી મેડિકલ ગોડાઉન પર 24 કલાકમાં બે વાર હુમલો થયો હતો, જેમાં $૫ લાખની રાહત સામગ્રી નષ્ટ થઈ ગઈ છે.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
