<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

અમેરિકા-ઈરાનની જંગમાં 'ઓમાન'ને લોટરી લાગી: હોર્મુઝની સામુદ્રધુની પર દબદબો વધશે:વિશ્વના તેલ વેપારનું નવું કેન્દ્ર બનવા ભણી

બે બળિયાના ઝઘડામાં 'શાંત' પાડોશી ફાવ્યો: ઈરાન પરના પ્રતિબંધો અને અમેરિકાની સખ્તાઈ વચ્ચે ઓમાનનું વ્યૂહાત્મક મહત્વ વધ્યું:અબજો ડોલરના રોકાણની વણઝાર: શું મિડલ ઈસ્ટના વેપારનો નવો શહેનશાહ બનશે મસ્કત? ખાડી દેશોમાં સત્તાનું નવું સમીકરણ

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય રાજકારણમાં જ્યારે બે દેશો લડે ત્યારે ત્રીજો દેશ કઈ રીતે ફાયદો ઉઠાવે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ 'ઓમાન' પૂરું પાડી રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની તંગદિલીને કારણે વિશ્વનો 20% તેલ વેપાર જ્યાંથી પસાર થાય છે તે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સામુદ્રધુની) માં ઓમાનનો દબદબો અનેકગણો વધી ગયો છે. ઈરાન પરના આકરા આર્થિક પ્રતિબંધો અને અમેરિકાની સૈન્ય હિલચાલને કારણે સુરક્ષિત વિકલ્પ તરીકે વિશ્વના દેશો હવે ઓમાનના બંદરો તરફ વળ્યા છે. નિષ્ણાતોના મતે, આ સ્થિતિનો લાભ લઈને ઓમાન આગામી સમયમાં વિશ્વના તેલ અને ગેસના વેપાર પર પોતાનું વર્ચસ્વ જમાવશે, જેનાથી તેની અર્થવ્યવસ્થામાં ધરખમ ઉછાળો આવશે.

આ દેશ ઓમાન છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધવિરામની શરતોની અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે હોર્મુઝ સ્ટ્રેટ પર ઓમાનની પકડ વધુ મજબૂત બની શકે છે. વાસ્તવમાં ઈરાને અમેરિકાને જ 10-પોઈન્ટનો યુદ્ધવિરામ પ્રસ્તાવ સોંપ્યો છે, તેમાં એક મુખ્ય જોગવાઈ એ છે કે તેહરાન અને ઓમાન બંને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પાસેથી પરિવહન ફી વસૂલ કરી શકે છે.નોંધનીય છે કે, ઈરાન અને ઓમાન વચ્ચેનો આ લગભગ 34 કિલોમીટર પહોળો માર્ગ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માનવામાં આવતો હતો, જ્યાં કોઈ પ્રકારનો ટોલ વસૂલવામાં નહોતો આવતો. તે વિશ્વના સૌથી પ્રમુખ જળમાર્ગોમાંથી એક છે અને વિશ્વના તેલ વેપારનો લગભગ પાંચમો ભાગ વહન કરે છે, તેથી તે અત્યંત મહત્વપૂર્ણ છે.

ઈરાન આ માર્ગ પરથી પસાર થતા જહાજો પર ટોલ વસૂલવાની યોજના બનાવી રહ્યું છે, જેમાં ઓમાન પણ તેને સાથ આપી રહ્યું છે. અમેરિકા સાથે યુદ્ધવિરામની જાહેરાત બાદ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે, ઈરાની લશ્કરી વ્યવસ્થાપન હેઠળ જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવશે. જોકે, એ સ્પષ્ટ નથી કે આનો અર્થ એ છે કે ઈરાન આ માર્ગ પર પોતાની પકડ સંપૂર્ણપણે ઢીલી કરશે કે નહીં. એક પ્રાદેશિક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ યોજના હેઠળ ઈરાન અને ઓમાન બંનેને આ માર્ગ પરથી પસાર થતા જહાજો પાસેથી ફી વસૂલવાની મંજૂરી આપવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે ઈરાન આ પૈસાનો ઉપયોગ પુનર્નિર્માણ માટે કરશે.

(5:56 PM IST)