<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

વ્હાઈટ હાઉસમાં ખળભળાટ: 'આ અમારું યુદ્ધ નથી અને અમે નહીં કૂદીએ', યુરોપના શક્તિશાળી દેશે ટ્રમ્પને બતાવ્યો ઠેંગો

ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ સામે યુરોપિયન યુનિયનની લાલ આંખ: રશિયા-યુક્રેન કે મધ્ય પૂર્વના જંગમાં સામેલ થવાનો ધરાર ઈનકાર, અમેરિકાની જોહુકમી સામે શક્તિશાળી રાષ્ટ્રનું રોકડું પરખાવ્યું, વૈશ્વિક રાજકારણમાં નવા સમીકરણો રચાયા

નવી દિલ્હી: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક વલણ અને રણનીતિ સામે હવે યુરોપના શક્તિશાળી દેશોએ પણ બાયો ચડાવી હોય તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. ટ્રમ્પ દ્વારા યુરોપિયન દેશોને યુદ્ધમાં સહભાગી થવા કે રક્ષણ માટે વધુ નાણાં ફાળવવાના દબાણ વચ્ચે યુરોપના એક અગ્રણી રાષ્ટ્રએ સ્પષ્ટ શબ્દોમાં ઠેંગો બતાવી દીધો છે. આ શક્તિશાળી દેશે રોકડું પરખાવતા કહ્યું છે કે, "આ અમારું યુદ્ધ નથી અને અમે કોઈ પણ સંજોગોમાં તેમાં ઝંપલાવીશું નહીં." ટ્રમ્પના 'અમેરિકા ફર્સ્ટ' અભિગમ સામે યુરોપિયન નેતાઓએ પણ હવે પોતાના દેશના હિતોને પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું છે. આ ઘટનાને કારણે નાટો (NATO) સંગઠનમાં પણ આંતરિક ખેંચતાણ વધવાની શક્યતા સેવાઈ રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા જંગમાં યુરોપની ભૂમિકા નિર્ણાયક છે, ત્યારે આ પ્રકારનું નિવેદન ટ્રમ્પ માટે મોટા આંચકા સમાન માનવામાં આવે છે.

જર્મનીના સંરક્ષણ મંત્રી બોરિસ પિસ્ટોરિયસે આ મુદ્દે કડક વલણ અપનાવતાં જણાવ્યું છે કે આ જંગ વિશ્વના અર્થતંત્ર માટે આર્થિક રીતે આફત સમાન સાબિત થશે. હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા પિસ્ટોરિયસે પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે, 'જંગ શરૂ કરતાં પહેલા અમારી સાથે કોઈ જ ચર્ચા કરવામાં આવી નહોતી. આ અમારું યુદ્ધ નથી અને અમે તેમાં બિનજરૂરી રીતે ખેંચાવવા માંગતા નથી.' તેમણે આ સંઘર્ષને વૈશ્વિક ઈકોનોમી માટે વિનાશકારી ગણાવીને તાત્કાલિક યુદ્ધવિરામની માંગ કરી છે. જોકે, તેમણે આશ્વાસન આપ્યું છે કે શાંતિ સ્થાપવા માટે જર્મની દરેક રીતે મદદ કરવા તૈયાર છે.

બીજી તરફ, Wall Street Journalના રિપોર્ટ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ હવે આ યુદ્ધને લાંબું ખેંચવાના મૂડમાં નથી. ટ્રમ્પ ઇચ્છે છે કે આગામી 4થી 6 અઠવાડિયામાં જ આ મહાજંગનો અંત આવે, જેથી તેઓ પોતાના ઘરેલું અને રાજકીય એજન્ડા પર ધ્યાન આપી શકે. વ્હાઇટ હાઉસના અધિકારીઓ મે મહિનાના મધ્યમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે બીજિંગમાં એક મહત્ત્વપૂર્ણ શિખર સંમેલન યોજવાની તૈયારી કરી રહ્યા છે. અમેરિકાની એવી ગણતરી છે કે આ હાઇ-પ્રોફાઇલ બેઠક શરૂ થાય તે પહેલા જ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી હિંસા પર પૂર્ણવિરામ મૂકાઈ જાય.

 

(5:06 PM IST)