<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

ટ્રમ્પની યુદ્ધ વિરામની ધમકીઓ વચ્ચે પણ રશિયા યુક્રેન પર હુમલા કરી રહ્યું હોવાના સમાચાર

યુક્રેનના 73 શહેરો સહીત કસ્બાઓ પર કર્યો હુમલો:22 લોકોના મૃત્યુ:જેલમાં હુમલો કરતા ભોજનકક્ષ થયો તબાહ:17 કેદીઓના પણ મૃત્યુ

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને યુક્રેન સાથે યુધ્ધવિરામ કરો નહિંતર પરીણામો ભોગવવાની ચેતવણી આપી હતી. અમેરિકાની ચેતવણી છતાં રશિયાએ યુક્રેન પર હુમલા ચાલું રાખ્યા છે. સોમવારની રાત્રીએ રશિયાએ યુક્રેનના ઝાપોરિજજિયા વિસ્તારની એક જેલ અને હોસ્પિટલ પર હુમલો કરતા કમસેકમ ૨૨ લોકોના મુત્યુ થયા હતા. જેલ પર ગ્લાઇડ બોંબથી હુમલો કરતા ઓછામાં ઓછા ૧૭ કેદીઓના મોત થયા હતા. હુમલામાં જેલનો ભોજનકક્ષ તબાહ થઇ ગયો હતો.

જો કે જેલની સુરક્ષા દિવાલ સલામત હોવાથી કોઇ કેદી ભાગી ગયા હોવાનું જાણવા મળતું નથી. યુક્રેનની સ્ટેટ ક્રિમિનલ એકજીકયૂટિવ સર્વિસ અનુસાર હુમલામાં કમસેકમ ૪૨ કેદીઓને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત ૪૦ લોકોને નજીવી ઇજ્જા થઇ છે. રશિયાએ હોસ્પિટલ પરના હુમલામાં કમસેકમ ૪ લોકોના મોત થયા હતા. યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીના જણાવ્યા અનુસાર રશિયાએ  યુક્રેનના ૭૩ શહેરો અને કસ્બાઓ પર હુમલો કર્યો હતો.

સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને આપેલી ૫૦ દિવસની સમય મર્યાદા ખતમ થવાની હોવાથી આગામી ૧૦ થી ૧૨ દિવસમાં વ્લાદિમીર પુતીને યુદ્ધ વિરામ કરવું પડશે એવી ધમકી આપી હતી. તાજેતરમાં સ્કોટલેન્ડની મુલાકાત દરમિયાન ટ્રમ્પે પુતિનથી નારાજ અને નિરાશ હોવાનું નિવેદન આપ્યું હતું

બીજી બાજુ ટ્રમ્પની ડેડલાઇનવાળી કાર્યવાહીને યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ આવકારી હતી.ટ્રમ્પે ૧૪ જુલાઇના રોજ સપ્ટેમ્બરની શરુઆત સુધીમાં શાંતિ સમજુતી નહી થાયતો રશિયા પર વધારાનું ટેરિફ લગાવશે. જો કે ટ્રમ્પે હવે પુતિનને માત્ર ૧૦ થી ૧૨ દિવસનો જ સમય આપ્યો છે. મતલબ કે ૭ થી ૯ ઓગસ્ટ સુધીમાં શાંતિ પ્રયાસોમાં પ્રગતિ થઇ શકે છે. 

 

(5:14 PM IST)